IPL 2026, KKR માટે કરો યા મરોની સ્થિતિ

  IPL 2026 ની સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ મેચોનો અડધો સફર પૂર્ણ થતાંની સાથે જ પ્લેઓફની રેસમાં રોમાંચક…

 

IPL 2026 ની સિઝન હવે તેના નિર્ણાયક તબક્કા તરફ આગળ વધી રહી છે. લીગ મેચોનો અડધો સફર પૂર્ણ થતાંની સાથે જ પ્લેઓફની રેસમાં રોમાંચક વળાંક આવ્યો છે. કેટલીક ટીમો મજબૂત સ્થિતિમાં છે, તો કેટલીક ટીમો માટે હવે દરેક મેચ ફાઇનલ જેવી બની ગઈ છે. ખાસ કરીને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR ) માટે હવે પ્લેઓફનો રસ્તો અત્યંત કઠિન દેખાઈ રહ્યો છે.

કોલકાતા નાઈટ રાઈડર્સ હાલ પોઈન્ટ્સ ટેબલમાં સૌથી નીચે એટલે કે, તળિયે છે. અત્યાર સુધી રમાયેલી 7 મેચોમાં ટીમ માત્ર એક જ જીત મેળવી શકી છે, જ્યારે એક મેચ રદ થવાથી તેમને એક પોઈન્ટ મળ્યો હતો. ટીમનો નેટ રનરેટ (-0.879) ખૂબ જ નબળો છે. ઇતિહાસ ગવાહ છે કે, પ્લેઓફ માટે ઓછામાં ઓછા 16-18 પોઈન્ટ્સ જરૂૂરી હોય છે. આથી, હવે એક પણ હાર KKR ને સત્તાવાર રીતે પ્લેઓફની રેસમાંથી બહાર કરી શકે છે. બાકીની મેચોમાં તેમને માત્ર જીતવું જ નહીં, પણ મોટા અંતરથી જીતવું પડશે.એક સમયે પોઈન્ટ્સ ટેબલમાં તળિયે રહેલી મહેન્દ્રસિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર કમબેક કર્યું છે.

પોતાની છેલ્લી 4 માંથી 3 મેચ જીતીને CSK એ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. હાલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં, CSKના બેટ્સમેનોએ 208 રનનો સ્કોર ખડક્યો હતો, અને જવાબમાં તેમના બોલરોએ મુંબઈને માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આ 103 રનની જીતે CSKને 6 પોઈન્ટ્સ સાથે પાંચમા સ્થાને પહોંચાડી દીધી છે, જે તેમનામાં નવો આત્મવિશ્વાસ ભરી રહી છે.મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સની હાલત પણ કોલકાતા જેવી જ ચિંતાજનક છે. બંને ટીમોએ 7 મેચ રમી છે અને માત્ર 2-2 જીત મેળવી છે. પ્લેઓફની રેસમાં ટકી રહેવા માટે આ ટીમોએ હવે સતત સારા પરફોર્મન્સની જરૂૂર છે.

જો તેઓ આગામી મેચોમાં ભૂલોનું પુનરાવર્તન કરશે, તો તેમની પ્લેઓફની આશા પર પાણી ફરી વળશે. આ બંને ટીમો માટે દરેક મેચ હવે એક અગ્નિપરીક્ષા સમાન છે. અત્યાર સુધીની લીગમાં પંજાબ કિંગ્સ સૌથી મજબૂત ટીમ સાબિત થઈ છે. PBKS એ 6 મેચમાં 5 જીત સાથે 11 પોઈન્ટ્સ મેળવીને પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે. રાજસ્થાન રોયલ્સ પણ 7 માંથી 5 જીત સાથે 10 પોઈન્ટ્સ મેળવીને બીજા સ્થાને મક્કમ છે. જ્યારે વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ બંને 8-8 પોઈન્ટ્સ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે. આ ટીમોનું ક્વોલિફાય થવું લગભગ નિશ્ચિત માનવામાં આવે છે.ગુજરાત અને દિલ્હીની ટીમો હાલ ટેબલમાં છઠ્ઠા અને સાતમા સ્થાને છે, પરંતુ તેમના ચાહકોએ નિરાશ થવાની જરૂૂર નથી. આ બંને ટીમોએ હજુ લીગ રાઉન્ડની 8 મેચ રમવાની બાકી છે.