કાલાવડના નાગપુરમાં લગ્ન નોંધણી પ્રકરણમાં તપાસ; સરપંચ અને તલાટી લાપતા

જામનગર જિલ્લાના વહીવટી તંત્રએ તપાસ તેજ કરી, પંચાયતના દસ્તાવેજો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ; કાલાવડ ગ્રામ્ય પોલીસ પણ સક્રિય: લગ્નની એક નોંધણી પાછળ રૂા.10 હજારની કટકી…

જામનગર જિલ્લાના વહીવટી તંત્રએ તપાસ તેજ કરી, પંચાયતના દસ્તાવેજો એકત્ર કરવાની કાર્યવાહી શરૂ; કાલાવડ ગ્રામ્ય પોલીસ પણ સક્રિય: લગ્નની એક નોંધણી પાછળ રૂા.10 હજારની કટકી લેવાતી હોવાની ચર્ચા : સરપંચ- તલાટીની મિલીભગતની આશંકા

કાલાવડ તાલુકાના માત્ર 700 જેટલી વસ્તી અને 170 જેટલાં ઘરો ધરાવતા નાગપુર ગામમાં ત્રણ મહિનાના ટૂંકા ગાળામાં 431 લગ્નની નોંધણી થયાના ચોંકાવનારા પ્રકરણમાં હવે તપાસના ચક્રો વધુ ગતિમાન બન્યા છે. આરટીઆઈ હેઠળ મેળવેલી વિગતોના આધારે બહાર આવેલા આ પ્રકરણમાં હવે ગ્રામ પંચાયતના વહીવટ સામે પણ ગંભીર સવાલો ઊઠવા લાગ્યા છે. ગ્રામ પંચાયતના અન્ય સભ્યો, સ્થાનિક નાગરિકો સહિતના લોકોની પૂછપરછ અને પ્રાથમિક તપાસ દરમિયાન ગામના સરપંચ તથા તલાટી કમ મંત્રી બંને હાલ લાપતા હોવાની વિગતો સામે આવતાં સમગ્ર મામલો વધુ રહસ્યમય બન્યો છે.

આ પ્રકરણમાં સરપંચ અને તલાટી કમ મંત્રીની સંભવિત મિલીભગત હોવાની પણ ગામમાં ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં, લગ્નની એક નોંધણી કરાવવા પાછળ રૂૂ. 10 હજાર જેટલી રકમ વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો અને ચર્ચાઓ પણ સામે આવી રહી છે. જોકે, આ નાણાકીય વ્યવહારો અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને તપાસમાં જ તેની વાસ્તવિકતા બહાર આવશે.બીજી તરફ, નોંધાયેલા 431 લગ્ન પૈકી મોટા ભાગનાં લગ્નમાં યુવક-યુવતીની ઉંમર 18થી 22 વર્ષની આસપાસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આટલી મોટી સંખ્યામાં બહારગામનાં યુવક-યુવતીઓનાં લગ્ન નાગપુર ગ્રામ પંચાયતમાં કેવી રીતે નોંધાયા? લગ્ન નોંધણી વખતે જરૂૂરી દસ્તાવેજો અને સાક્ષીઓની ખરાઈ કરવામાં આવી હતી કે કેમ? લગ્ન નોંધણી માટે સંબંધિત પરિવારોની સંમતિ હતી કે નહીં? સહિતના અનેક સવાલો હવે ઊભા થયા છે. કેટલાક લગ્ન પરિવારની જાણ કે સંમતિ વિના થયાં હોવાની પણ ચર્ચા છે, જેની તપાસ થવી જરૂૂરી બની છે.

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ સમગ્ર મામલે તપાસ સમિતિની રચના કર્યા બાદ હવે તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિતની ટીમ દ્વારા તપાસને વધુ વેગ આપવામાં આવ્યો છે. ગ્રામ પંચાયતના લગ્ન નોંધણી રજિસ્ટર, સંબંધિત અરજીઓ, આધાર-પુરાવા, અન્ય દસ્તાવેજો તથા વહીવટી રેકોર્ડ એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન સરપંચ અને તલાટી કમ મંત્રીની ભૂમિકા, લગ્ન નોંધણીની પ્રક્રિયા તેમજ સંભવિત નાણાકીય વ્યવહારોની પણ ખરાઈ કરવામાં આવે તેવી શક્યતા છે.

આરટીઆઈ મારફતે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ કરનાર અરજદાર પરિવાર દ્વારા પણ હવે આ મામલે ઉચ્ચ સ્તરે રજૂઆતો શરૂૂ કરવામાં આવી છે. પરિવારની માંગ છે કે લગ્ન નોંધણીના નામે જો કોઈએ નાણાકીય ઉઘરાણી કરી હોય, ખોટા દસ્તાવેજોના આધારે નોંધણીઓ કરી હોય અથવા સરકારી હોદ્દાનો દુરુપયોગ કર્યો હોય તો તેમની સામે માત્ર વિભાગીય તપાસ પૂરતી ન રાખતાં કાયદેસરની અને પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવે.
આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી, ગુજરાતના મુખ્યમંત્રી તથા રાજ્યના ગૃહમંત્રી સહિતના ઉચ્ચ હોદ્દેદારોને પત્રો પાઠવી સમગ્ર પ્રકરણની નિષ્પક્ષ અને ઊંડાણપૂર્વકની તપાસ કરાવવા તેમજ જવાબદારો સામે કડક પગલાં ભરવા રજૂઆત કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર તપાસ દરમિયાન નાગપુર ગ્રામ પંચાયતના વહીવટી રેકોર્ડ અને જવાબદારોની ભૂમિકાની તપાસ મહત્ત્વપૂર્ણ બની છે. સરપંચ અને તલાટી કમ મંત્રીની ગેરહાજરી પાછળનું કારણ શું છે? 431 લગ્ન નોંધણી પાછળ ખરેખર કોઈ સંગઠિત વ્યવસ્થા કે નાણાકીય વ્યવહાર હતો કે કેમ? અને આટલી મોટી સંખ્યામાં લગ્ન નોંધણી કરવા માટે કયા દસ્તાવેજોનો ઉપયોગ થયો હતો? તેવા અનેક સવાલોના જવાબ તપાસ પૂર્ણ થયા બાદ જ બહાર આવશે. તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની તપાસમાં આગામી દિવસોમાં કોઈ ચોંકાવનારા ખુલાસા થાય તેવી શક્યતાને પગલે હવે સમગ્ર જિલ્લા પંથકની નજર આ પ્રકરણના અંતિમ અહેવાલ પર મંડાઈ છે.