Site icon Gujarat Mirror

કોંગ્રેસને ઉમેદવારો અમે આપ્યા, ધોરાજી ભાજપના ધારાસભ્ય પાડલિયાએ વિવાદ છેડ્યો

પાડલિયા માનસિક રીતે અસ્થિર, કોંગ્રેસના લલિત વસોયાનો પલટવાર

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર જબરદસ્ત રીતે ચાલી રહ્યો છે. આ દરમિયાન ભાજપમાં પણ હવે કોંગ્રેસ જેવી સ્થિતિ સર્જાઈ છે. સુરત અને રાજકોટમાં ભાજપ દ્વારા નારાજ કાર્યકરો અને લોકોને મનાવવા માટેની કવાયત શરૂૂ કરાઈ છે. ત્યાં બીજી બાજુ ભાજપના નેતાઓ દ્વારા વિવાદિત નિવેદનો આપવામાં આવી રહ્યા છે. અમરેલીના ધારાસભ્યના પત્નીએ કહ્યું હતું કે, ભાજપે વિધર્મીઓનો નાશ કરવાની ઝૂંબેશ ઉપાડી છે. હવે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

રાજકોટના ધોરાજીના ધારાસભ્ય ડો.મહેન્દ્ર પાડલિયાએ મોટો દાવો કર્યો છે. કોંગ્રેસને ઉમેદવારો અમે આપીએ છીએ. આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેન્ડેટ ફાડી નાંખે છે. અત્યાર સુધીમાં ભાજપના 150 જેટલા ઉમેદવારો બિનહરિફ થયાં છે. તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા તેમના નિવેદન સામે પલટવાર કરવામાં આવ્યો છે.

કોંગ્રેસના લલિત વસોયાએ ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાને માનસિક રીતે અસ્થિર ગણાવ્યા હતાં. લલિત વસોયાએ કહ્યું હતું કે, ભાજપે કોંગ્રેસને નહીં પણ આમ આદમી પાર્ટીને ઉમેદવારો આપ્યા છે. મતદારોનું ધ્યાન ભટકાવવા તેમણે આવું વાહિયાત નિવેદન આપ્યું છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીના આગેવાન ધાર્મિક માથુકિયાએ કહ્યું હતું કે, શું ભાજપ અને કોંગ્રેસ પડદા પાછળ ફિક્સિંગ કરીને ચૂંટણી લડી રહ્યા છે?

Exit mobile version