ટાઈગર શ્રોફ ફાયરિંગ કેસમાં તપાસ તેજ!! 3 અજાણ્યા હુમલાખોરો સામે FIR નોંધાઈ

  રવિવારે સાંજે (૧૮ ઓક્ટોબર) મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગની…

 

રવિવારે સાંજે (૧૮ ઓક્ટોબર) મુંબઈના જુહુ વિસ્તારમાં અભિનેતા ટાઈગર શ્રોફને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો હતો. તેમની કાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ફાયરિંગની આ હુમલામાં ટાઈગર શ્રોફના જમણા હાથ ગનપાઉડનરથી દાઝવાના નિશાન સામે આવ્યા છે. અભિનેતાની વૈભવી કાર પર કુલ 5 રાઉન્ડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જો કે સદભાગ્યે તેને સીધી ગોળી વાગી નથી. આ ફાયરિંગની ઘટનામાં ટાઈગરના ડ્રાઈવર ફિરદૌસ અને એક ઓટોચાલક ઇજાગ્રસ્ત થયા છે. આ ગોળીબારની ઘટનામાં બિશ્નોઈ ગેંગના દિલ્હી અને પંજાબ મોડ્યુલ સામેલ હોઈ શકે છે. મુંબઈમાં અગાઉ બનેલી આવી જ ઘટનાઓમાં ‘પુણે મોડ્યુલ’નું નામ સામે આવ્યું હતું, જેનું નેતૃત્વ કથિત રીતે શુભમ લોનકર કરતો હતો.

પ્રત્યક્ષદર્શીઓ અને વાયરલ વીડિયોના આધારે મળેલી માહિતી મુજબ, ફાયરિંગ સમયે ટાઈગર શ્રોફ ડ્રાઈવરની બાજુની આગળની સીટ પર બેઠા હતા. ડ્રાઈવરને ઈજા થતાં ટાઈગરે પોતે ગાડીનું સ્ટિયરિંગ સંભાળ્યું હતું અને તેમને હોસ્પિટલ લઈ ગયા હતા. આ હુમલામાં ટાઈગરના ડ્રાઈવર અને એક ઓટોચાલકને ઈજા પહોંચી છે. ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી અને મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી છે. પોલીસે આ કેસમાં પૂછપરછ માટે એક વ્યક્તિને કસ્ટડીમાં પણ લીધો છે.

ટાઈગર શ્રોફ સાથે જોડાયેલી આ ગોળીબારની ઘટનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ક્રાઈમ બ્રાન્ચે અગાઉ પણ બિશ્નોઈ ગેંગ સાથે સંકળાયેલા કેસો સંભાળ્યા છે; તેથી, આ મામલાની ઝીણવટભરી અને ગંભીર તપાસ થાય તે સુનિશ્ચિત કરવા માટે તેને ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો છે.

હુમલાખોરોએ હુમલો કરતા પહેલા તે વિસ્તારની રેકી (નિરીક્ષણ) કરી હતી. ગોળીબાર કરતા પહેલા, તેઓ લગભગ ૪૫ મિનિટ સુધી ‘પુષ્પા પાર્ક’ પાસે રાહ જોઈને બેઠા હતા. હુમલો કર્યા બાદ શંકાસ્પદ વ્યક્તિઓ મોટરસાઈકલ પર અંધેરી વેસ્ટ રેલવે સ્ટેશન તરફ ભાગી ગયા હતા અને ત્યાં એક પોલીસ ચોકી પાસે વાહન છોડી દીધું હતું.

મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી બાદ, ગુજરાત પોલીસને પણ હાઈ એલર્ટ પર મૂકવામાં આવી છે. ગુજરાત પોલીસના વરિષ્ઠ સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈ પોલીસે સંકેત આપ્યો છે કે ટાઈગર શ્રોફ પર ગોળીબાર કરનારા આરોપીઓ ગુજરાતના સુરત તરફ જઈ શકે છે.