Site icon Gujarat Mirror

નશેડીએ પતિને દારૂ પીવડાવી પત્નીની છેડતી કરતા બોલી બઘડાટી; બંનેને ઈજા

ચુડાના વેજલકા ગામે રહેતું દંપતિ નિકાવા ગામે જવા માટે રાજકોટમાં ગોંડલ ચોકડી નજીક વાહનની વાટ જોતું હતું તે દરમિયાન એક નશેડી શખ્સ દારૂની બે થેલી સાથે આવ્યો હતો અને વાહનની વાટ જોતા યુવકને એક થેલી દારૂ પીવડાવી તેની પત્નીની છેડતી કરી હતી. જેથી બન્ને વચ્ચે મારામારી થતાં બન્નેને ઈજા પહોંચી હતી. સામસામે મારામારીમાં ઘવાયેલા યુવક અને પ્રૌઢને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, ચુડાના વેજલકા ગામે રહેતો મહેશ મનજીભાઈ ધરજીયા નામનો 39 વર્ષનો યુવાન રાત્રીના દસેક વાગ્યાના અરસામાં ગોંડલ ચોકડી બ્રિજ નીચે હતો ત્યારે સંજય કિશોર ભટ્ટી નામના શખ્સે ધોકા વડે માર માર્યો હતો. જ્યારે વડતા પ્રહારમાં સંજય કિશોર ભટ્ટી (ઉ.47) ઉપર મહેશ ધરજીયાએ ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. મારામારીમાં ઘવાયેલા યુવક અને પ્રૌઢને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

પ્રાથમિક પુછપરછમાં મહેશ ધરજીયા પોતાની પત્ની સાથે વેજલકા ગામથી નિકાવા ગામ જતો હતો ત્યારે રાત્રીના સમયે ગોંડલ ચોકડી પાસે વાહનની વાટ જોતો હતો તે દરમિયાન સંજય ભટ્ટી દારૂની બે થેલી સાથે દંપતિ પાસે આવ્યો હતો. જ્યાં મહેશ અને સંજયએ સાથે દારૂ ઢીંચ્યો હતો. બાદમાં સંજય ભટ્ટીએ મહેશ ધરજીયાની પત્નીની છેડતી કરતાં બન્ને વચ્ચે મારામારી થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે આજી ડેમ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version