ગુજરાત
પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ, ભાજપના પિન્ટુરાજાએ ‘ફિલ્મ’ ઉતારી
કાળા કાચવાળી સ્કોર્પિયોમાં ભાજપનો ખેસ, પોલીસવાન જેવી લાઇટ લગાવીને નીકળેલા ‘કારીગરે’ દંડ પણ ચુપચાપ ભરી દીધો
રાજકોટ શહેરમાં નીતિ-નિયમો નેવે મુકતા વાહન ચાલકો સામે પોલીસે ગઇકાલે સાંજે હાથ ધરેલી ચેકિંગ ઝુંબેશ દરમિયાન સ્કોર્પિયોના કાચમાં કાળા કલરની ફિલ્મ, ડેસબોર્ડ ઉપર ભાજપનો ખેસ અને કારમાં પોલીસવાહન જેવી રેડ ફલેશલાઇટ નાખીને નીકળેલા એક યુવાનને પોલીસે ઝડપી લઇ કાયદાનું ભાન કરાવતા ભાજપના નામે સીન નાખવા નીકળેલો આ યુવાન ડાહ્યો ડમરો થઇ ગયો હતો અને પોતાની હાથે જ કારમાંથી બ્લેક ફિલ્મ દુર કરી ચુપચાપ રૂા. 1 હજારનો દંડ પણ ભરી દીધો હતો.પોલીસે આ યુવકને સ્કોર્પિયો કારમાં લગાવેલી ગેરકાયદેસર ફલેશ લાઇટ દુર કરવા વોર્નિંગ આપતા આ યુવાને ચુપચપા તેમા પણ હા પાડી દીધી હતી.
કથિત ભાજપના કાર્યકરની સ્કોર્પિયો પાછળ મોટા અક્ષરે પિન્ટુ રાજા લખ્યું હતું. કાચમાં બ્લેક ફિલ્મ લગાવી હતી અને આગળ રેડ કલરની ફલેશ લાઇટ લગાવી હોવાથી પોલીસની નજરે ચડી ગયો હતો.તેમજ ટ્રાફીક પોલીસના એસીપી જયવીર ગઢવીની રાહબરીમાં ઘંટેશ્વર ટી પોઇન્ટ ખાતે પીયુસી, લાયસન્સ વગર કારમાં લગાડવામાં આવેલી ટ્રાફીક પોલીસે 102 વાહનો ચેક કરી 56300નો દંડ વસુલ કર્યો હતો અને વાંકાનેર ચોકડી, માલવીયાનગર વિસ્તાર, થોરાળા વિસ્તારમાં પણ ટ્રાફીક પોલીસે વાહનોનું ચેકીંગ કરી 120 જેટલા વાહનો ચેક કરી 74100નો દંડ વસુલ કર્યો હતો.એસીપીએ જણાવ્યું હતું કે હજુ પણ અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની ડ્રાઇવ ચાલુ રહેશે માટે લોકો નિયમોનું પાલન કરે અને સુરક્ષા માટે હેલ્મેટ પણ પહેરે.