ગુજરાત
દાઝીને આવેલા બાળકોને દાખલ કરવાના બદલે સિવિલમાંથી ધકેલી દીધા
અમરેલીથી રીફર કર્યા બાદ રાત આખી સિવિલ હોસ્પિટલમાં બેસી રહ્યા પણ તબીબોએ સતત બહાના જ બનાવ્યા, અંતે પરત જવું પડ્યું
રાજકોટ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા દિવાળીના પર્વને લઈને મેડીકલ સેવા માટે સ્ટાફને ખડેપગે કરી દેવામાં આવ્યો હોવાનો સત્તાધીશો દ્વારા બણગા ફૂકવામાં આવી રહ્યા છે. પરંતુ સિવિલ હોસ્પિટલમાં લોલમલોલ ચાલતુ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં અમરેલીમાં બેટરીનો ડટ્ટો ફાટતા બે માસુમ બાળક દાઝી ગયા હતાં. દાઝી ગયેલા બન્ને બાળકોને અમરેલી હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ રિફર કરાયા હતાં. પરંતુ સિવિલ હોિસ્પિટલના કામચોર તબીબોએ બન્ને બાળકોએ પ્રાથમિક સારવાર આપી દાખલ કરવામાં એક બીજાને ખો આપતા રહ્યા અને દાઝી ગયેલા બાળકોની સારવાર માટે પરિવાર રાતભર રઝળતો રહ્યો પરંતુ રાજકોટ સિવિલ હોસ્પિટલના તંત્રની બેદરકારીના કારણે બાળકોને સારવાર નહીં મળતા પરિવાર બન્ને બાળકોને લઈ અંતે પરત ફરી ગયા હતા.
આ બનાવ અંગે જાણવા મળતી વિગત મુજબ અમરેલીના વડિયા ગામે ખેત મજુરી અર્થે આવેલા શ્રમિક પરિવારના સાગર માનસીંગભાઈ બોડરિયા (ઉ.વ.7) અને તેનો મોટોભાઈ ધીરજ માનસીંગભાઈ બોડરિયા (ઉ.વ.11) નામના બન્ને બાળકો લાઈટ વાળી બેટરી વડે રમતા હતા ત્યારે અકસ્માતે બેટરી ફાટતા બન્ને બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતાં. બન્ને બાળકોને સારવાર માટે અમરેલી ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં એક બાળકને માઈનોર પ્લાસ્ટિક સર્જરીની જરૂરિયાત જણાતા વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. અમરેલીથી વધુ સારવાર માટે બન્ને બાળકોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પરિવાર દ્વારા લાવવામાં આવ્યા હતાં.
પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની બેદરકારી અને કામચોરીના કારણે બન્ને બાળકોને સારવાર નહીં મળતા બન્ને બાળકો સારવાર માટે કણસી રહ્યા હતા. પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબો એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ખસેડી ખો આપી રહ્યા હતાં. પરિવાર બાળકોની સારવાર માટે આજીજી કરતો રહ્યો પરંતુ સિવિલ હોસ્પિટલના તબીબોની માનવતા મરીપરવારી હોય તેમ આખી રાત સારવાર આપવામાં ન આવી હતી. અને અંતે પરિવાર પોતાના બન્ને બાળકોને લઈને પરત ખીજડિયા ગામે ચાલ્યો ગયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
અમરેલી તાલુકા ઉપપ્રમુખે મેડિકલ ઓફિસરને સારવાર અર્થે ફોન કર્યો છતાં સારવાર ન મળી
બેટરીનો ડટ્ટો ફાટતા ગંભીર રીતે દાઝી જતાં બન્ને બાળકોને તાત્કાલીક સારવાર માટે અમરેલી બાદ રાજકોટ રિફર કરાયા હતાં. પરંતુ બાળકો સારવાર માટે કણસી રહ્યા હતા તેમ છતાં સિવિલ હોસ્પિટલના તબીબોએ માનવતા નેવે મુકી હોય તેમ એક વોર્ડમાંથી બીજા વોર્ડમાં ધકેલી એક બીજાને ખો આપી હતી. આ અંગે અમરેલી તાલુકાના ઉપપ્રમુખ વિપુલભાઈ પોકિયાએ રાજકોટ સિવિલ હોસ્પિટલના મેડીકલ ઓફિસરને ફોન કરી ગંભીર રીતે દાઝી ગયેલા બાળકોને સારવાર કરવા ભલામણ કરી હતી. પરંતુ મેડીકલ ઓફિસરે માત્ર હા પાડી હતી. પરંતુ સારવારમાં લોલમલોલ રહ્યાનો પરતભાઈ પોકિયાએ આક્ષેપ કર્યો હતો.