ગુજરાત

પુસ્તકો પલળી જવાના પ્રકરણમાં ગાંધીનગરથી તપાસના આદેશ

Published

on


જામનગર નજીક દરેડ ગામે આવેલા બીઆરસી ભવનમાં બાળકોને વિતરણ કરવા માટેના હજારો પાઠય પુસ્તકો અતિવૃષ્ટીમાં પલળી જવાના પ્રકરણમાં સમિતિના રીપોર્ટ બાદ રાજ્યના શિક્ષા વિભાગમાંથી યોગ્ય પગલા લેવા સુચના મળ્યા બાદ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના અધિકારીનું ડેપ્યુટેશન રદ કરી પરત શાળામાં મોકલવા માટેનો જામનગરના જિલ્લા શિક્ષણાધિકારીએ આદેશ કર્યો છે.


ગત 10 થી 20 ઓગસ્ટના અતિવૃષ્ટીના દિવસોમાં રંગમતી ડેમના હેઠવાસમાં આવેલા અને નદી કાંઠા નજીકના દરેડ ગામે આવેલા શિક્ષણ અને તાલીમ ભવનમાં સમગ્ર શહેરના વિસ્તારોની માફક વરસાદ અને પુરના પાણી ભરાયા હતા. જેમાં ધો. 3 થી પ ના વિદ્યાર્થીઓને વિતરણ કરવાની સ્વાધ્યાય પોથી જેવા પુસ્તકો પલળી જવા પામ્યા હોવાની ફરિયાદ ગાંધીનગરમાં આવેલા પુસ્તકો વિતરણ કરતા સમગ્ર શિક્ષા વિભાગને કરવામાં આવી હતી.


જે ફરિયાદ બાદ તપાસ સમિતિ ના સભ્યોએ શિક્ષણાધિકારીને સોંપેલા રીપોર્ટ મુજબ પુસ્તક વિતરણમાં ખામી સામે આવી હતી. આ રીપોર્ટ તૈયાર કરીને સમગ્ર શિક્ષા વિભાગના સચિવને સોંપાયા બાદ ગાંધીનગરથી નિયમાનુસાર જવાબદર સામે પગલાં લેવા સુચના મળ્યા બાદ પ્રાથમિક શિક્ષણાધિકારી વિપુલ મહેતાએ બી.આર.સી. કોર્ડીંનેટર પ્રજ્ઞાબેન લીંબડનું ડેપ્યુટેશન રદ કરીને શિક્ષક તરીકે જે તે શાળામાં પુન: નિયુક્તિનો આદેશ કરતાં શિક્ષણ જગતના ચર્ચાસ્પદ બનેલા આ પ્રકરણનો અંત આવ્યો છે.

અત્રે એ ઉલ્લેખનય છે કે, સમગ્ર શહેરમાં પાણી ભરાપા હતા તે દિવસોમાં રંગમતી નદીની તદ્દન નજીક અને ડેમની હેઠવાસમાં આવેલા બીઆરસી ભવનમાં પાણી ભરાવા સ્વાભાવિક ગણી શકાય. અને આવી પરિસ્થિતિમાં પુસ્તકો પલળી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version