ગુજરાત
રાજકોટમાં માસૂમ બાળકીનું મોત, તબીબી બેદરકારીનો આક્ષેપ
ડેન્ગ્યુ થયા બાદ રિપોર્ટ નોર્મલ આવ્યો, તબીબે લખી આપેલા ચાર ઇન્જેકશન નર્સે એક સાથે આપી દેતા બાળકની તબિયત લથડી
બાળકના મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું: મોહિત બેબીકેરના તબીબ-નર્સ પર પરિવારના આક્ષેપ
શહેરની બાબરીયા કોલોની પાસે રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતા મુળ યુપીના ભંગારના ધંધાર્થી યુવાનના 8 મહિનાના બાળકને બિમારી સબબ ખાનગી હોસ્પિટલમાં દેખાડવા લઈ જવાયા બાદ રિપોર્ટ થતાં ડેંગ્યુ આવતાં તેને દાખલ કરાયેલ હતું. બાદમાં રિપોર્ટ નોર્મલ આવતાં હોસ્પિટલમાંથી રજા આપવાની હોઈ એ પહેલા ડોક્ટરે લખેલા ચાર ઈન્જેક્શન નર્સ દ્વારા એક જ સાથે આપી દેવામાં આવતાં બાળક ઉઘમાં જતું રહ્યું હોઈ તેવી હાલત થઇ ગઈ હતી.ત્યારબાદ રજા લઈ ઘરે લઈ જવાયા બાદ ફરી બાળકની હાલત બગડતા ફરી હોસ્પિટલે લઈ જવાયેલ. પરંતુ તેનું મૃત્યુ થયું હતું. બેદરકારીથી મૃત્યુનો પરિવારજનોએ આક્ષેપ કરતાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
મળતી વિગતો મુજબ,રાધેકૃષ્ણ સોસાયટીમાં રહેતાં આફતાબ અલ્તાફભાઈ અંસારી (ઉ.8 માસ)ની તબિયત બગડતાં તેને મોહીત બેબી કેર હોસ્પિટલમાં દાખલ કરાયું હતું. પરંતુ રાતે મૃત્યુ થતાં હોસ્પિટલ મારફત ભક્તિનગર પોલીસને જાણ કરવામાં આવતાં હેડકોન્સ.કે.જી.ઝાલાએ જરૂૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.
મૃત્યુ પામનાર બાળક એક બહેનથી નાનુ હતું.પિતા અલ્તાફ અંસારી ભંગારનો ધંધો કહે છે તેણે કહ્યું હતું કે,દિકરાને 15મીએ તાવ જેવુ થતાં દવા લીધી હતી.પછી આંચકી જેવું આવતા મોહિત બેબી કેરમાં દેખાડવા લઈ ગયા હતાં.ત્યાં રિપોર્ટ થતાં ડેંગ્યુ આવ્યો હતો.જેથી ડોક્ટરે દાખલ કરવાનું કહેતા અમે દિકરાને દાખલ કર્યો હતો.17મીએ ફરી રિપોર્ટ થતાં ડેંગ્યુ નેગેટીવ થઈ જતાં ડોક્ટરે રજા આપવાની વાત કરી હતી.એ પછી ગઈકાલે રજા આપતી વખતે દવા ઈન્જેક્શન લખી દેવાયા હતા.બાદમાં હું ચાર ઈન્જેક્શન લઈ આવ્યો હતો.જે નર્સ દ્વારા અમારા દિકરાને એક સાથે એક પછી એક થોડી મિનિટોના ગાળામાં ચારેય આપી દેવાયા હતાં.તે વખતે મારા પત્નિ તબ્બસુમબાનુએ એક સાથે ચાર ઈન્જેક્શન આપવાના છે કે કેમ? તે અંગે નર્સને પુછતાં કોઈ જવાબ આપ્યો નહોતો.
ત્યારબાદ બાળક ઉંઘમાં જતું રહ્યું હોય તેવી હાલત થઈ ગઈ હતી અને અમને રજા અપાતાં અમે ઘરે ગયા હતા.સાંજે ફરીથી બાળકની તબિયત બગડી હતી અને ફરી હોસ્પિટલમાં લઈ ગયા હતાં.પણ આ વખતે મારા દિકરાને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.આ ઘટનામાં બાળકની સારવારમાં બેદરકારી દાખવાઈ હોવાનું લાગતાં અમે બાળકના મરણનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમની માંગણી કરી છે.તેમ વધુમાં અલ્તાફભાઈએ કહ્યું હતુ.આ અંગે માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફે વધુ તપાસ કરાઈ છે.