તહેવારો પહેલાં મોંઘવારીનો ફટકો: આજથી LPGના ભાવ વધ્યા, ATM-બેંકિંગ અને UPIના નિયમોમાં પણ ફેરફાર

    ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.સિલિન્ડરથી લઈને બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી યોજનાઓ સુધીના નિયમોમાં બદલાવની અસર…

 

 

ઓક્ટોબરની શરૂઆત સાથે જ દેશભરમાં અનેક મહત્વના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે.સિલિન્ડરથી લઈને બેંકિંગ, ડિજિટલ પેમેન્ટ અને સરકારી યોજનાઓ સુધીના નિયમોમાં બદલાવની અસર સામાન્ય લોકો પર જોવા મળી શકે છે.આજથી કુલ 6 મહત્વના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે. તેમાં એલપીજી સિલિન્ડરની કિંમત અને નિયમો, બેંકિંગ વ્યવસ્થા, ડિજિટલ પેમેન્ટ સાથે જોડાયેલા નિયમો તેમજ કેટલીક સરકારી યોજનાઓના નિયમોનો સમાવેશ થાય છે.

1. કોમર્શિયલ ગેસના ભાવમાં વધારો

ઓઈલ કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ₹70 સુધીનો વધારો કર્યો છે. કોમર્શિયલ સિલિન્ડરના ભાવ વધવાથી રેસ્ટોરન્ટ માલિકોનો ખર્ચ થોડો વધશે. આવી સ્થિતિમાં તેઓ ચા અને નાસ્તો મોંઘો કરી શકે છે. લગ્ન સમારંભોનું કેટરિંગ પણ મોંઘું થઈ શકે છે.

2. LPG સબસિડી માટે વેરિફિકેશન ફરજિયાત

1 ઓક્ટોબર 2026થી સબસિડીવાળા દરે LPG ગેસ સિલિન્ડર બુક કરવા માટે ગ્રાહકોએ બાયોમેટ્રિક આધાર ઓથેન્ટિકેશન (BAA / e-KYC) પૂર્ણ કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમનું e-KYC પહેલેથી જ છે, તેમના માટે કોઈ ફેરફાર થશે નહીં. જે ગ્રાહકોએ બાયોમેટ્રિક વેરિફિકેશન કરાવ્યું નથી, તેઓ સબસિડીવાળા દરે ગેસ બુક કરી શકશે નહીં. જોકે, ગેસ સિલિન્ડરની સપ્લાય અથવા બુકિંગ બંધ થશે નહીં. ગ્રાહક પોતાનું e-KYC પૂર્ણ કરશે એટલે તેમને ફરીથી સબસિડીવાળા ભાવે સિલિન્ડર મળવા લાગશે.

3. UPI પેમેન્ટ્સ પર ચાર્જ

UPI સંબંધિત સૌથી મહત્વપૂર્ણ ફેરફાર પણ આ મહિનામાં લાગુ કરવામાં આવશે. આ નિયમ 1 ઓક્ટોબરને બદલે 15 ઓક્ટોબર, 2026થી અમલમાં આવશે. 15 ઓક્ટોબર 2026થી ₹2,000થી વધુના પસંદગીના મર્ચન્ટ UPI ટ્રાન્ઝેક્શન પર મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ લાગુ થશે. જે દુકાનદારોની મહિને UPI મારફતે કુલ આવક ₹1 લાખ સુધી છે, તેમના માટે તમામ ટ્રાન્ઝેક્શન સંપૂર્ણપણે મફત રહેશે, ભલે પેમેન્ટ ₹2,000થી વધુનું હોય. સામાન્ય ગ્રાહકો પર તેની અસર થવાની અપેક્ષા નથી. જો કોઈ નાનો વેપારી સતત 3 મહિના સુધી ₹1 લાખથી વધુનું UPI પેમેન્ટ સ્વીકારે છે, તો બેંક તેને મોટા વેપારીઓની યાદીમાં સામેલ કરશે અને ત્યારબાદ તેના પર પણ ચાર્જ લાગુ થશે. વ્યક્તિથી વ્યક્તિના ટ્રાન્ઝેક્શન મફત છે.

 

૪. SBIના ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમો

SBIના સેલેરી અકાઉન્ટ ધારકો જો અન્ય બેંકના ATM અથવા ADWM મશીનનો ઉપયોગ કરે છે, તો હવે તેમને મહિનામાં માત્ર 5 મફત ટ્રાન્ઝેક્શન મળશે. અગાઉ આ મર્યાદા 10 મફત ટ્રાન્ઝેક્શનની હતી. તેમાં બેલેન્સ ચેક કરવું અને પૈસા ઉપાડવાનો સમાવેશ થાય છે.દરેક ટ્રાન્ઝેક્શન પર ₹15 + GST લાગશે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ના ‘સેલરી પેકેજ’ ખાતાધારકો માટે, અન્ય બેંકોના ATM પર મફત વ્યવહારોની મર્યાદા 1 ઓક્ટોબરથી 10ને બદલે ઘટાડીને 5 કરવામાં આવી છે. આ મર્યાદામાં નાણાકીય અને બિન-નાણાકીય એમ બંને પ્રકારના વ્યવહારોનો સમાવેશ થાય છે. 5 મફત વ્યવહારોની મર્યાદા પૂરી થયા પછી, અન્ય બેંકોના ATM પર રોકડ ઉપાડવા માટે ₹23 વત્તા GST અને બિન-નાણાકીય વ્યવહારો માટે ₹11 વત્તા GSTનો ચાર્જ લાગુ થશે.

બીજી તરફ, ‘બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ’ (BSBD) ખાતાઓ માટે, દર મહિને પ્રથમ ચાર રોકડ ઉપાડ મફત રહેશે. ત્યારબાદ, દરેક રોકડ ઉપાડ પર ₹15 વત્તા GSTનો ચાર્જ લાગુ થશે. આ નિયમ ખાસ કરીને રોકડ ઉપાડ માટે છે; ડિજિટલ વ્યવહારો આ ચાર્જના દાયરામાં આવતા નથી.

5. AC-TV, ફ્રિજ જેવા ઉપકરણો આજથી 8% સુધી મોંઘા

ઓક્ટોબરથી કંપનીઓ AC, LED ટીવી, વોશિંગ મશીન અને ફ્રિજની કિંમતોમાં 3%થી 8% સુધીનો વધારો કરી રહી છે. 2026માં કંપનીઓ તરફથી કરવામાં આવેલો આ ત્રીજો વધારો છે.

ઇન્ટરનેશનલ માર્કેટમાં કોપર, સ્ટીલ, એલ્યુમિનિયમ અને ક્રૂડ ઓઇલ સાથે સંકળાયેલા કાચા માલની કિંમતોમાં થયેલો વધારો તથા કરન્સીમાં આવેલા ઉતાર-ચઢાવને કારણે કંપનીઓએ આ નિર્ણય લીધો છે. વર્ષ 2026માં કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ ઇન્ડસ્ટ્રી તરફથી કિંમતોમાં આ ત્રીજો વધારો હશે.

6. રેપો રેટ અંગે નિર્ણય

RBIની મોનેટરી પોલિસી કમિટીની બેઠક 5 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર 2026 દરમિયાન યોજાશે. 7 ઓક્ટોબરે આ બેઠકમાં રેપો રેટ અંગે નિર્ણય લેવામાં આવશે કે તેમાં ફેરફાર કરવામાં આવે કે તેને સ્થિર રાખવામાં આવે. આ વખતે રેપો રેટમાં 0.25%નો વધારો કરવામાં આવી શકે છે. વર્તમાન સ્થિતિ: ઓગસ્ટની સમીક્ષા બાદથી રેપો રેટ 5.25% પર છે.જો RBI રેપો રેટમાં વધારો કરશે, તો બેંકો હોમ લોન, કાર લોન અને પર્સનલ લોનના વ્યાજદરમાં વધારો કરશે. તેનાથી EMI વધી જશે. તેનાથી વિપરીત, રેટ ઘટે તો EMI સસ્તી થઈ શકે છે.