52 વર્ષના વન-ડે ઇતિહાસમાં ભારતની બીજી સૌથી મોટી હાર: ન્યૂઝીલેન્ડે 244 રનથી હરાવ્યું

  ટીમ ઈન્ડિયાને વન-ડે ક્રિકેટના 52 વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે ચોથી વન-ડે મેચમાં ભારતને 244 રનના વિશાળ અંતરથી…

 

ટીમ ઈન્ડિયાને વન-ડે ક્રિકેટના 52 વર્ષના ઇતિહાસમાં બીજી સૌથી મોટી હારનો સામનો કરવો પડ્યો છે. ન્યૂઝીલેન્ડે ચોથી વન-ડે મેચમાં ભારતને 244 રનના વિશાળ અંતરથી હરાવ્યું છે.

મેચમાં ટૉસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમે 333 રનનો મજબૂત સ્કોર નોંધાવ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમની બેટિંગ સંપૂર્ણપણે ધરાશાયી થઈ હતી. ભારતની આખી ટીમ માત્ર 26.4 ઓવરમાં 89 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી હતી. ઇનિંગ્સની પહેલી જ ઓવરમાં રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેપ્ટન શ્રેયસ અય્યર શૂન્ય રને આઉટ થઈ ગયા હતા. મેટ હેનરીએ રોહિતને ફિન એલનના હાથે કેચ આઉટ કરાવ્યો હતો, જ્યારે પાંચમા બોલ પર કોહલી બોલ્ડ થયો હતો અને ત્યારબાદ શ્રેયસ અય્યર પણ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. ઋતુરાજ ગાયકવાડ (5 રન) પણ સસ્તામાં આઉટ થતાં ભારતનો સ્કોર 9 રનમાં 4 વિકેટ થઈ ગયો હતો.

મુશ્કેલ સમયમાં ઈશાન કિશને 27 રન અને અક્ષર પટેલે 21 રનનું યોગદાન આપી સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કિવી બોલરો સામે ભારતીય બેટર્સ ટકી શક્યા નહોતા. નમન ધિરે 21 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડ તરફથી ઘાતક બોલિંગ કરતા મેટ હેનરીએ 6 વિકેટ ઝડપી હતી, જેના કારણે ભારતીય ટીમ માત્ર 89 રનમાં સમેટાઈ ગઈ હતી. મેટ હેનરીને મેન ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

ભારતને વન-ડેમાં સૌથી મોટી હાર વર્ષ 2000માં શારજાહમાં શ્રીલંકા સામે મળી હતી. ત્યારે શ્રીલંકાએ ટીમ ઈન્ડિયાને 245 રનથી હરાવ્યું હતું. આ પહેલીવાર છે જ્યારે ભારતીય ટીમે પહેલી જ ઓવરમાં વગર રન બનાવે ત્રણ વિકેટ ખોઈ દીધી છે. જોકે, આ ઇનિંગના પહેલી ઓવરમાં સૌથી વધારે વિકેટ ગુમાવવાનો રેકોર્ડ નથી. બાંગ્લાદેશે 2003 વન-ડે વર્લ્ડ કપમાં શ્રીલંકા વિરુદ્ધ પહેલી જ ઓવરમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારે એક ઓવર પછી બાંગ્લાદેશનો સ્કોર 5/4 હતો. બોલર ચામિન્ડા વાસ હતો.