વિશ્ર્વની બેસ્ટ વિમેન્સ ક્રિકેટરનો એવોર્ડ દિપ્તી શર્માને
ક્રિકેટ જગતના સૌથી પ્રતિષ્ઠિત મનાતા ’વિઝડન એવોર્ડ્સ 2026’ ની જાહેરાત થઈ ગઈ છે, અને આ વખતે આ એવોર્ડ્સમાં માત્ર ને માત્ર ભારતીય ખેલાડીઓનો જ જલવો જોવા મળ્યો છે. 9 મુખ્ય પુરસ્કારોમાંથી 7 એવોર્ડ તો આપણા ભારતીય ક્રિકેટરોએ જ પોતાના નામે કરી લીધા છે. મહિલા ક્રિકેટમાં દીપ્તિ શર્માએ મેદાન માર્યું છે, તો પુરુષોમાં શુભમન ગિલ, ઋષભ પંત અને અભિષેક શર્મા જેવા ખેલાડીઓએ ભારતનું નામ દુનિયાભરમાં રોશન કર્યું છે.
વિઝડન ક્રિકેટર્સ અલ્માનેકે ગયા વર્ષની એશિઝ સિરીઝમાં જબરદસ્ત પ્રદર્શન કરવા બદલ ઓસ્ટ્રેલિયાના મિશેલ સ્ટાર્કને વિશ્વનો બેસ્ટ મેન્સ ક્રિકેટર (લીડિંગ ક્રિકેટર ઇન ધ વર્લ્ડ) જાહેર કર્યો છે. પણ આપણા માટે સૌથી મોટી ખુશીની વાત એ છે કે મહિલા કેટેગરીમાં આ મોટો એવોર્ડ આપણી દીપ્તિ શર્માને મળ્યો છે. 2025 ના વનડે વર્લ્ડ કપમાં ભારતને જીતાડવામાં દીપ્તિનો સિંહફાળો હતો, જેના માટે તેને ’પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ’ અને હવે ’વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર’ નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.
વિઝડનના એડિટર લોરેન્સ બૂથે વર્ષના જે 5 બેસ્ટ ક્રિકેટરોની યાદી જાહેર કરી છે, તેમાં તો પૂરેપૂરો ભારતનો જ દબદબો છે. આ 5 માંથી 4 ખેલાડીઓ ભારતીય છે! 2025 ના ઇંગ્લેન્ડ પ્રવાસમાં શાનદાર રમત બતાવવા બદલ ઋષભ પંત, શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ સિરાજને આ લિસ્ટમાં સામેલ કરવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે ટેસ્ટ કેપ્ટન તરીકે શુભમન ગિલની આ પહેલી જ ટેસ્ટ સિરીઝ હતી. આ ઉપરાંત, ધમાકેદાર બેટિંગ કરવા બદલ અભિષેક શર્માને ’મેન્સ ઝ20 ક્રિકેટર ઓફ ધ યર’ તરીકે પસંદ કરવામાં આવ્યો છે.

