અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીએ ગર્લફ્રેન્ડની કરી હત્યા, ભારત પહોંચે તે પહેલાં જ પોલીસે પકડ્યો

  અમેરિકામાં 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટચિગરીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અમેરિકાના એરિઝોનામાં તેની 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને…

 

અમેરિકામાં 20 વર્ષીય ભારતીય નાગરિક વરુણ બટચિગરીની ધરપકડ કરવામાં આવી છે. તેના પર અમેરિકાના એરિઝોનામાં તેની 19 વર્ષીય ગર્લફ્રેન્ડ જુલિસા રૂબી સલાઝારની ગળું દબાવીને હત્યા કરવાનો આરોપ છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોલેજ સ્ટુડન્ટ જુલિસા રૂબી સાલાઝારના મૃત્યુમાં વરુણ પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરની શંકા છે. જુલિસાનો મૃતદેહ ગુરુવારે એરિઝોના યુનિવર્સિટી નજીક ટક્સન સ્થિત તેના એપાર્ટમેન્ટમાંથી મળ્યો હતો.

મળતી વિગતો અનુસાર, વરુણ બાચીગારી નામના આ ભારતીય નાગરિક પર તેની ગર્લફ્રેન્ડ અને કોલેજ સ્ટુડન્ટ જુલિસા રૂબી સાલાઝારનું ગળું દબાવીને હત્યા કરવાનો આક્ષેપ છે. જુલિસા ગુરુવારે ટક્સનમાં યુનિવર્સિટી ઓફ એરિઝોના પાસે આવેલા પોતાના એપાર્ટમેન્ટમાંથી મૃત હાલતમાં મળી આવી હતી. જુલિસાના પરિવારે ફરિયાદ કરતા જ્યારે પોલીસે એપાર્ટમેન્ટમાં પહોંચીને તપાસ કરી, ત્યારે તે અચેત અવસ્થામાં મળી આવી હતી અને તેના શરીર પર ઇજાના નિશાન પણ હતા. તપાસકર્તાઓએ વરુણની મુખ્ય શંકાસ્પદ તરીકે ઓળખ કરી હતી. એવું પણ સામે આવ્યું છે કે હત્યા બાદ આરોપીએ જુલિસાનો ફોન તથા ક્રેડિટ કાર્ડ પણ લઈ લીધા હતા અને તેની માતાને મેસેજ કર્યા હતા.

પોલીસને જાણ થઈ કે વરુણ ટક્સનથી ભાગી ગયો છે. તે ટક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો અને ત્યાંથી હ્યુસ્ટનની ફ્લાઇટ લીધી. ત્યારબાદ તેણે જર્મનીના બર્લિન જતી બીજી ફ્લાઇટ લીધી.અધિકારીઓનું માનવું છે કે વરુણ ભારત પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની ગતિવિધિઓ પર નજર રાખતા પોલીસે ધરપકડ વોરંટ જારી કર્યું.અધિકારીઓએ વરુણનું લોકેશન શોધી કાઢ્યું અને જર્મની પહોંચ્યા પછી તેને કસ્ટડીમાં લીધો. તેને એરિઝોના લાવવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂકવામાં આવશે અને તેને પિમા કાઉન્ટી એડલ્ટ ડિટેન્શન સેન્ટરમાં દાખલ કરવામાં આવશે.

રિપોર્ટ્સ અનુસાર, જુલિસા વરુણ દ્વારા થતા શારીરિક અને યૌન શોષણથી કંટાળી ગઈ હતી અને તેની સાથે સંબંધ પૂરો કરવાનું વિચારી રહી હતી. 5 ઓગસ્ટે જુલિસાના રૂમમાંથી જોરથી બૂમો પાડવાનો અવાજ પણ આવ્યો હતો. વરુણ એરિઝોના યુનિવર્સિટીમાં બિઝનેસ એનાલિટિક્સનો અભ્યાસ કરતો હતો, પરંતુ અગાઉ મારામારીના કારણે તેને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.તેના પર ઘરેલુ હિંસાના આરોપો પણ હતા અને મે મહિનાનો એક કેસ કોર્ટમાં પેન્ડિંગ હતો. તાજેતરમાં જ વરુણની નોકરી પણ છૂટી ગઈ હતી, જેના કારણે તેને ભાડું ચૂકવવામાં તકલીફ પડી રહી હતી અને તેનો ઇમિગ્રેશન સ્ટેટસ પણ ખતરામાં હતો. જોકે, આ જ કારણોસર તેણે હત્યા કરી કે કેમ, તે અંગે પોલીસે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી.