Sports
ભારત-પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે
17 વર્ષ બાદ આફ્રો એશિયન કપ ટૂર્નામેન્ટ યોજાશે
હાલમાં ક્રિકેટને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. જી હાં વર્ષો પછી ફરી એકવખત અનોખી ટૂર્નામેન્ટ રમાવા જઈ રહી છે. જેમાં ભારત પાકિસ્તાનના ખેલાડીઓ એક જ ટીમમાં રમતા જોવા મળશે. લાંબી રાહ જોયા બાદ આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટમાં વાપસી થવાની છે. આ અનોખી ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી અને બાબર આઝમ એક ટીમમાં રમતા જોવા મળી શકે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશન 17 વર્ષ પછી એશિયન અને આફ્રિકન દેશો વચ્ચે આફ્રો એશિયા કપ ટુર્નામેન્ટનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટ છેલ્લે 2007માં રમાઈ હતી. હવે આ ટૂર્નામેન્ટ લગભગ 2 દાયકા પછી ફરી એકવાર વાપસી કરવા જઈ રહી છે.
આ ટુર્નામેન્ટમાં એશિયા-11 આફ્રિકા-11 સાથે સ્પર્ધા કરે છે. આફ્રિકા ક્રિકેટ એસોસિએશનના વચગાળાના પ્રમુખ તાવેન્ગવા મુકુહલાનીએ ટૂર્નામેન્ટને લઈને મોટું અપડેટ આપ્યું છે. તેણે કહ્યું છે કે આફ્રિકન ટીમો ઇચ્છે છે કે આફ્રો એશિયા કપ ફરી એકવાર શરૂૂ થાય. આફ્રિકન ક્રિકેટ કાઉન્સિલ (અઈઅ) એ તેની તાજેતરમાં યોજાયેલી વાર્ષિક સામાન્ય સભામાં ટૂર્નામેન્ટને ફરીથી શરૂૂ કરવા માટે એક સમિતિની રચના કરી હતી. જ્યારે આફ્રો-એશિયા કપ છેલ્લે 2007માં રમાયો હતો, ત્યારે તે એશિયન ટીમે 3-0થી જીત્યો હતો. આ પછી આ ટૂર્નામેન્ટ 2009 માં યોજાવાની હતી, પરંતુ તે પછી તે થઈ શક્યું નહીં.
આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝન 2005માં રમાઈ હતી. પ્રથમ સિઝનમાં આ ટુર્નામેન્ટ 1-1 થી બરાબર રહી હતી. આફ્રો-એશિયા કપની પ્રથમ સિઝનમાં એશિયા ઈલેવનની કમાન પાકિસ્તાની ખેલાડી ઇઝમામ ઉલ હકે સંભાળી હતી. આ હક ટીમમાં અનિલ કુંબલે, રાહુલ દ્રવિડ અને આશિષ નેહરા જેવા સ્ટાર ભારતીયો રમતા જોવા મળ્યા હતા. તેમજ 2007માં યોજાયેલી ટૂર્નામેન્ટમાં મોહમ્મદ આસિફ, મોહમ્મદ યુસુફ, શોએબ અખ્તર, મહેન્દ્ર સિંહ ધોની, હરભજન સિંહ, સૌરવ ગાંગુલી અને વીરેન્દ્ર સેહવાગ જેવા સ્ટાર્સ એશિયા-11માં જોવા મળ્યા હતા.