આંતરરાષ્ટ્રીય
ડોનાલ્ડ ટ્રમ્પના વિજયથી ભારતે બહુ હરખાવાની જરૂર નથી
અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં અને ભૂતપૂર્વ પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે જોરદાર જીત મેળવીને પ્રમુખપદ પર ફરી કબજો કર્યો છે. ભારતીય મૂળનાં કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પને જોરદાર ટક્કર આપશે એવું મનાતું હતું પણ કમલા હેરિસ ડોનલ્ડ ટ્રમ્પ સામે નબળાં સાબિત થયાં છે. ટ્રમ્પ જીત્યા એટલે તેમના રનિંગ મેટ એટલે કે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સ પણ જીતી ગયા છે તેથી ડોનલ્ડ ટ્રમ્પ અને જે.ડી. વેન્સની જોડી હવે પછી અમેરિકામાં ચાર વર્ષ સુધી શાસન કરશે એ નક્કી છે.
ભારતીય મીડિયાએ ડોનલ્ડ ટ્રમ્પની જીતને આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના મિત્રની જીત ગણાવી છે. પણ ડોનલ્ડ ટ્રમ્પની અમેરિકાના પ્રમુખપદે વાપસી ભારત માટે બહુ સારા સમાચાર નથી. તેનું કારણ એ કે, ડોનલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીના મિત્ર હોઈ શકે છે પણ ભારતના મિત્ર નથી.ભારતમાં મીડિયાનો એક વર્ગ ટ્રમ્પનું આગમન ભારત માટે ફાયદાકારક સાબિત થશે એવું કહી રહ્યો છે. તેમની દલીલ છે કે, ડોનલ્ડ ડ્રમ્પના પહેલા કાર્યકાળમાં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્રમ્પ સાથે સારા સંબંધો રહ્યા છે. વડા પ્રધાન મોદી ને ટ્રમ્પ જેટલી પણ વખત મળ્યા છે એટલી વખત ખૂબ ઉત્સાહથી મળ્યા છે અને ટ્રમ્પ અનેક વખત વડા પ્રધાન મોદીના વખાણ પણ કરી ચૂક્યા છે. ટ્રમ્પ મોદીને પોતાના મિત્ર ગણાવતા રહ્યા છે તેથી ટ્રમ્પ ફરી પ્રમુખ બનતાં જ ભારતની આઈટી કંપનીઓ માટે રસ્તા ખૂલવાની સંભાવના છે.
જે લોકો આવી વાતો કરી રહ્યા છે એ લોકો કદાચ ટ્રમ્પે પોતાના પહેલા કાર્યકાળમાં શું કરેલું તેની વાતો જાણીજોઈને ગૂપચાવી રહ્યા છે અથવા તો એટલા અજ્ઞાની છે ડોનલ્ડ ટ્રમ્પે 2016થી 2020 દરમિયાન પ્રમુખ તરીકેની પહેલી ટર્મમાં ભારતને કનડવામાં કોઈ કસર છોડી નહોતી. ટ્રમ્પે એચવન-બી વિઝા પર કાપ મૂકીને ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે અમેરિકામાં પ્રવેશની તકો ઓછી કરી નાખેલી. આ ઉપરાંત આઈટી પ્રોફેશનલ્સને અપાતા મિનિમમ વેજ એટલે કે લઘુતમ પગારની મર્યાદામાં વધારો કરીને પણ ભારતીય કંપનીઓને ફટકો માર્યો હતો. ટ્રમ્પે ભારતને સૌથી મોટો ફટકો ભારતને જનરલાઈઝ્ડ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ)માંથી બહાર મૂકીને માર્યો હતો. ભારત જીપીએસમાં હતું ત્યાં સુધી તેના માલ પર અમેરિકામાં કસ્ટમ્સ ડ્યૂટી નહોતી લાગતી પણ જીપીએસમાંથી બહાર કરાયું તેના કારણે ભારતીય ઉત્પાદનો પર કસ્ટમ્સ ડ્યૂટી લાગવા માંડી. ભારતનો માલ મોંઘો થઈ જતાં નિકાસ બંધ થઈ ગયેલી.
ટ્રમ્પના પગલાને કારણે ભારતને વરસે 50 અબજ ડોલરનો ફટકો પડી ગયેલો. ટ્રમ્પે આ બધું કર્યું ત્યારે પણ એ ભારતના મિત્ર હતા જ ને મોદીનાં વખાણ કરતા જ હતા છતાં ટ્રમ્પે ભારત વિરોધી પગલાં ભરેલાં.નરેન્દ્ર મોદીએ 2020માં ટ્રમ્પ ફરી અમેરિકાના પ્રમુખ બને એ માટે પૂરી તાકાત લગાવી દીધી હતી. મોદીએ 2020ની અમેરિકાના પ્રમુખપદની ચૂંટણીમાં ડોનલ્ડ ટ્રમ્પને ફરી જીતાડવા ખુલ્લેઆમ પ્રચાર કરેલો. 2019માં મોદી અમેરિકા ગયા ત્યારે અમેરિકામાં ચૂંટણી પ્રચાર ચાલતો હતો. એ વખતે હ્યુસ્ટનમાં ભારતીય અમેરિકનોએ મોદીના અભિવાદન માટે યોજેલા હાઉડી મોદી કાર્યક્રમમાં ડોનલ્ડ ટ્રમ્પ હાજર રહ્યા હતા.
ડોનલ્ડ ટ્રમ્પની ચૂંટણી સભા જેવા કાર્યક્રમમાં ટ્રમ્પે મોદીને માંડ દસેક મિનિટ બોલવા દીધા હતા અને પોતાનો ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે ભાષણબાજી કરીને ભરપૂર પ્રચાર કર્યો હતો. મોદીએ પણ ટ્રમ્પને મત આપવા અપીલ કરી હતી. પણ સાવ નગુણા ટ્રમ્પે 2024માં ફરી ભારત વિરોધી વલણ અપનાવ્યું હતું. ટ્રમ્પ અમેરિકા ફસ્ટની નીતિમાં માને છે તેથી અમેરિકાની નોકરીઓ પર અને સંશાધનો પર અમેરિકનોનો પહેલો અધિકાર છે એવું માને છે. ટ્રમ્પ અમેરિકાને ફરી દુનિયામાં સૌથી મોટી તાકાત બનાવવાનાં સપનાં જુએ છે.
ભારત આ મહત્ત્વાકાંક્ષા આડે મોટો અવરોધ છે કેમ કે ભારત હવે પોતે મહાસત્તા બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ સંજોગોમાં ભારત અને અમેરિકાનાં હિતોનો ટકરાવ થશે એ નક્કી છે ને ટ્રમ્પની માનસિકતા પોતાને માફક ના આવે એવું કશું સહન કરવાની નથી. ટ્રમ્પની માનસિકતા જોતાં ભારતે ટ્રમ્પ પાસેથી બહુ આશા રાખવા જેવી નથી. ટ્રમ્પ ભારતને ફાયદો કરાવે એવું કશું ન કરે પણ ભારતને નુકસાન થાય એવું કંઈ ના કરે તો પણ બહુ છે.