આંતરરાષ્ટ્રીય

ભારત-કેનેડા તણાવથી હજારો વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં

Published

on

ભારતીય મૂળના 20 લાખ કેનેડિયનો ચિંતાતૂર, હિન્દુ મંદિરો ઉપર ખતરો

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે ફરી એકવાર રાજદ્વારી તણાવ વધી ગયો છે. ભારત સરકારે કેનેડાના છ રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. તેમજ કેનેડાના છ રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા છે.


આ મામલે પૂર્વ રાજદ્વારી કેપી ફેબિયનએ કહ્યું કે કેનેડાએ અમને હરદીપ સિંહ નિજ્જર કેસની તપાસ અંગે કહ્યું છે. આનો અર્થ એવો થાય કે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ અમારા હાઈ કમિશનરની પૂછપરછ કરવા માંગે છે. પરંતુ આ કોઈપણ રીતે યોગ્ય નથી, તેથી ભારત સરકારે તેના રાજદ્વારીઓને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો છે.
પૂર્વ રાજદ્વારીએ વધુમાં જણાવ્યું હતું કે, બંને દેશો વચ્ચે સ્થિતિ હજુ વધારે ખરાબ થશે. જ્યાં સુધી જસ્ટિન ટ્રુડો કેનેડાના વડપ્રધાન છે ત્યાં સુધી કેનેડાના ભારત સાથે સંબંધ નહિ સુધરે. કેનેડામાં 2025માં ચૂંટણી છે. તેમજ ટ્રુડોની લોકપ્રિયતા પણ સતત ઘટી રહી છે. કેનેડાની અર્થવ્યવસ્થા પણ સારી સ્થિતિમાં નથી. આવી સ્થિતિમાં જો ત્યાં નવી સરકાર સત્તામાં આવશે તો જ આપણા સંબંધો સુધરશે. પરંતુ હાલ તો આ શક્ય જ નથી.


ભારત અને કેનેડાના તનાવની સૌથી વધુ અસર ભારતીય વિધાર્થીઓ પર પડી શકે છે. જેઓ કેનેડામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું અને ત્યાં સારું જીવન જીવવાનું સપનું જોઈ રહ્યા હતા તેમને આ તણાવની સૌથી વધુ અસર થશે. આ સિવાય હિન્દુ મંદિરોને નિશાન બનાવી શકાય છે. તેમજ ખાલિસ્તાનીઓ કેનેડામાં હિન્દુઓ પર હુમલો કરી શકે છે તેવો પણ ખતરો છે. હાલ ભારતીય મૂળના અંદાજે 20 લાખ કેનેડિયન મૂંઝવણની સ્થિતિમાં છે.


ભારતીય મૂળના કેનેડિયન લોકોનું કહેવું છે કે હાલમાં ભારત અને કેનેડાના સંબંધો એટલા ખરાબ છે જેટલા ક્યારેય કેનેડા અને ચીન વચ્ચે કે કેનેડા અને રશિયા વચ્ચે પણ નથી થયા. ભારતીય મૂળના કેનેડિયનોને ચિંતા છે કે હાલમાં 60 થી 70 હજાર ભારતીય વિદ્યાર્થીઓ પહેલેથી જ ડેપ્યુટેશનનો સામનો કરી રહ્યા છે. આ ઉપરાંત ખાલિસ્તાનીઓ પ્રત્યે ટ્રુડોની સહાનુભૂતિ પણ આ બંને દેશો વચ્ચે તણાવ વધારી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version