છઠ્ઠા અને સાતમાં પગાર પંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો

જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમ પણ મે માસના પગાર સાથે ચુકવાશે ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપવામાં…

જાન્યુઆરીથી એપ્રિલ સુધીના તફાવતની રકમ પણ મે માસના પગાર સાથે ચુકવાશે

ગુજરાત સરકારના નાણા વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે ખુશીના સમાચાર આપવામાં આવ્યા છે. હકીકતમાં રાજ્ય સરકારે છઠ્ઠા અને સાતમા પગારપંચનો લાભ લેતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (ઉઅ) માં વધારો કરવાનો મહત્વનો નિર્ણય લીધો છે. આ વધારો 01 જાન્યુઆરી 2026થી અમલી ગણવામાં આવશે.

ગુજરાત સરકારના છઠ્ઠા પગાર પંચ હેઠળ પગાર મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે, છઠ્ઠા પગાર પંચ હેઠળના કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ 257 ટકાથી વધીને 262 ટકા કરવામાં આવ્યું છે.

આવી જ રીતે જે કર્મચારીઓ સાતમા પગાર પંચ હેઠળ પગાર મેળવે છે, તેમના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે આવા કર્મચારીઓને મૂળ પગારના 58 ટકાની જગ્યાએ હવે 60 ટકા મોંઘવારી ભથ્થુ મળવા પાત્ર થશે.

સરકારી ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થાનો આ વધારો મે-2026 ના પગાર (જે જૂન-2026 માં ચૂકવાશે) સાથે રોકડમાં આપવામાં આવશે. વધુમાં, જાન્યુઆરી-2026 થી એપ્રિલ-2026 સુધીના કુલ 4 મહિનાના તફાવતની રકમ (એરિયર્સ) પણ મે મહિનાના પગાર સાથે એક જ હપ્તામાં ચૂકવી દેવામાં આવશે.

આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ ગુજરાત સરકારના પંચાયત સેવાના કર્મચારીઓ અને પેન્શનરો, ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, પ્રાથમિક શિક્ષકો સહીતના કર્મચારીઓને મળશે.