Site icon Gujarat Mirror

થોરાળામાં નાના ભાઈની પત્ની ભાગી જતાં પુછપરછ માટે ગયેલા યુવાન ઉપર છરીથી હુમલો

થોરાળા વિસ્તારમાં રહેતો યુવાન નાના ભાઈની પત્ની ભાગી જતાં અપહરણ કરનાર શખ્સના ભાઈને પુછપરછ કરવા માટે ગયો હતો. ત્યારે ત્રણ શખ્સોએ છરી ધોકા વડે હુમલો કરી માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, થોરાળામાં આવેલા ટ્રેકટર ચોક પાસે રહેતાં અનિલ દિલીપભાઈ મકવાણા (ઉ.24) પોતાના ઘર પાસે હતો ત્યારે રાત્રીના સમયે રવિ ઉર્ફે કાગડી સહિતના શખ્સોએ ઝઘડો કરી છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર રવિ ઉર્ફે કાગડીનો ભાઈ સાહિલ અનિલ મકવાણાના નાના ભાઈ સંજય મકવાણાની પત્ની આરતીબેનની ગઈકાલે ભગાડી ગયો હતો. જે મુદ્દે પુછપરછ કરવા જતાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બીજા બનાવમાં જામનગરમાં રહેતો મિત ભુપેન્દ્રભાઈ સુખડીયા (ઉ.30) રાત્રીના નવેક વાગ્યાના અરસામાં માધાપર ચોકડી નજીક હતો ત્યારે તેની સાથે કેટરર્સમાં કામ કરતાં શખ્સોએ મશ્કરીમાં ગાળો ભાંડી હતી. જેથી મિત સુખડીયાએ ગાળો દેવાની ના પાડતાં સોનાલીબેન સહિતના શખ્સોએ તિક્ષ્ણ હથિયાર વડે માર માર્યો હતો. યુવકને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડાયો હતો. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version