સણોસરા સીમમાં ઝટકા મશીનનું ફેન્સિંગ તોડી 45 જેટલા પશુઓ ચરાવી દીધા

ખોરાણા ગામના પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ, મધરાત્રે મજૂરનો ફોન આવતા ભાંડો ફૂટ્યો રાજકોટ શહેર નજીક આવેલા સણોસરા ગામની સીમમાં એક વકીલની વાડીમાં ઝટકા તારનું ફેન્સિંગ…

ખોરાણા ગામના પિતા-પુત્ર વિરુદ્ધ ગુનો દાખલ, મધરાત્રે મજૂરનો ફોન આવતા ભાંડો ફૂટ્યો

રાજકોટ શહેર નજીક આવેલા સણોસરા ગામની સીમમાં એક વકીલની વાડીમાં ઝટકા તારનું ફેન્સિંગ તોડીને અંદાજે 45 જેટલી ગાય-ભેંસ ઘુસાડી ઉભા પાકમાં મોટાપાયે ભેલાણ કરવામાં આવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં સોયાબીન, કપાસ, તુવેર અને ધાણાના પાકને કુલ રૂૂ. 2,79,000/- નું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. આ મામલે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ખોરાણા ગામના પિતા-પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મળતી વિગતો અનુસાર, સણોસરા ગામે રહેતા અને વકીલાત તેમજ ખેતીકામ કરતા દિપકભાઈ ધનજીભાઈ લીંબાસીયા (ઉં.વ. 50) ની ખોરાણા ગામના સીમાડે ’ગલમધરો’ તરીકે ઓળખાતી 75 વીઘા જમીન આવેલી છે. આ જમીન તેમણે મધ્યપ્રદેશના કૈલાશભાઈ ગોવર્ધનભાઈ ભુરીયાને ભાગમાં વાવેતર કરવા માટે આપી હતી, જેમાં સોયાબીન, કપાસ, તુવેર અને મસાલાના ધાણાનું વાવેતર કરવામાં આવ્યું હતું.

ગત તા. 15/11ના રોજ રાત્રિના સવા એક વાગ્યાના અરસામાં દિપકભાઈને તેમના મજૂર દીવાનભાઈ ભીમા અમલીયારનો ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે ખેતરમાં લગાવેલ ઝટકા તારનું ફેન્સિંગ તોડીને બે અજાણ્યા શખ્સો અંદાજે 45 જેટલી ગાય અને ભેંસ ચરાવી રહ્યા છે. આ જાણ થતા જ દિપકભાઈ અને તેમના મોટાભાઈ ચંદુભાઈ તાત્કાલિક વાડીએ દોડી ગયા હતા. તેમણે ટોર્ચની લાઈટ કરતા બંને અજાણ્યા શખ્સો પોતાના પશુઓને ત્યાં જ મૂકીને નાસી છૂટ્યા હતા.ત્યારબાદ ફરિયાદીએ 112 નંબર પર ફોન કરતા પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે પશુ માલિકોની ઓળખ ન થઈ હોવાથી ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ વહેલી સવારે સાતેક વાગ્યે પશુ માલિકો વાડીએ આવતા તેમની ઓળખ ખોરાણા ગામના બટુકભાઈ તેજાભાઈ હાડગરડા અને તેમના પુત્ર જયેશભાઈ બટુકભાઈ હાડગરડા તરીકે થઈ હતી.

આ ભેલાણને કારણે સોયાબીનના ઉભા પાકમાં રૂૂ. 84,000/-, સોયાબીનના પાલામાં રૂૂ. 30,000/-, મસાલાના ધાણામાં રૂૂ. 90,000/-, કપાસના ઉભા પાકમાં રૂૂ. 50,000/- અને તુવેરના ઉભા પાકમાં રૂૂ. 25,000/- મળી કુલ રૂૂ. 2,79,000/- નું નુકસાન થયું છે. કુવાડવા રોડ પોલીસે તા. 17/11/2026 ના રોજ આરોપી પિતા-પુત્ર વિરુદ્ધ બી.એન.એસ. કલમ 324(5), 329(3) તથા ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ની કલમ 183 મુજબ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ નારણભાઈ શિરોળીયાએ વધુ તપાસ હાથ ધરી છે.