ક્રાઇમ

આટકોટના ઓટોબ્રોકરને સસ્તામાં કાર વેચવાના નામે રૂા. 3 લાખની છેતરપિંડી

Published

on


આટકોટ રહેતા અને ગાડી લેવેચનું કામ કરતા ઓટોબ્રોકરને રાજકોટના 3 શખ્સોએ સસ્તામાં કાર ઓનલાઈન વેચવાના બહાને રૂા. 3 લાખની છેતરપીંડી કરતા આ મામલે રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં આ ત્રિપુટી સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ ત્રિપુટીની ધરપકડ માટે વધુ તપાસ શરૂ કરી છે. આ છેતરપીંડીમાં અન્ય કોની કોની સંડોવણી છે તે ત્રિપુટીની ધરપકડ બાદ સામે આવશે.


મળતી વિગતો મુજબ જસદણના આટકોટમાં રહેતા અને ગાડી લેવેચનું કામ કરતા મુકેશભાઈ કડવાભાઈ વઘાસિયાએ રાજકોટના યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટના રિન્કેશ પટેલ, મીત પુજારા અને ચંદ્રબદન પુજારાનું નામ આપ્યું છે. ફરિયાદમાં મુકેશભાઈએ જણાવ્યા મુજબ તેઓએ છ મહિના પૂર્વે ઓએલએક્સ ઉપર તેમના મિત્રની કાર વેચવા માટેની વિગતો મુકી હતી. મુકેશભાઈ પોતે કાર લે વેચનું કામ કરતા હોય તે દરમિયાન ઓએલએક્સ ઉપર કાર વેચવા માટે વિગતો મુકતા રાજકોટના રિન્કેશ પટેલનો ફોન આવ્યો હતો. અને બલેનો ગાડી વેચવા બાબતે વાતચીત કરી બલેનો કારની સામે અર્ટિગા કાર સસ્તામાં આપવાની લાલચ આપી તમારી કાર ઉપર પૈસા અમે ચૂકવી આપશું તેમ કહ્યું હતું. ત્યારે મુકેશભાઈએ આ બાબતે સોદો કરવાની ના પાડી હતી. થોડા દિવસો બાદ ફરીથી રિન્કેસનો ફોન આવ્યો હતો અને અર્ટિગા કાર સસ્તામાં મળી જશે તેમ કહેતા મુકેશભાઈએ પોતાના મિત્રની કારની સામે ઉપરની કેટલી રકમ ચુકવવી પડશે તેમ કહેતા અર્ટિગાના ફોટા મોકલવાનું કહ્યું હતું. અને ત્યારે રિન્કેસે રૂા. 3 લાખમાં કારનો સોદો કરવાની વાત કરી હતી.


રિન્કેસ સાથે મિત અને ચંદ્રવદન પૂજારાએ અર્ટિગા કાર સસ્તામાં દેવાની લાલચ અને બલેનો કાર વેચવાનું કહીને 3 લાખ રૂપિયા એડવાન્સ મુંબઈના મલાડમાં એચએમ આંગડિયા મારફતે મોકલવાની વાત કરી હતી. જેથી મુકેશભાઈએ લાલચમાં આવીને 3 લાખ રૂપિયા આંગડિયા મારફતે મોકલી આપ્યા હતાં. ત્યાર બાદ પોતાની બલેનો કારની સામે અર્ટિગા કારની ડિલેવરી અંગે આ ત્રિપુટી સાથે વાતચીત કરતા આ રાજકોટના ત્રણેય શખ્સોએ મુકેશભાઈ સાથે છેતરપીંડી કરી ફોન બંધ કરી દેતા આ અંગે અંતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version