બોર્ડમાં જંગલેશ્વર ધુણશે, ડિમોલિશન ખર્ચનો હિસાબ માગતો વિપક્ષ

રાજકોટનુ ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનનને લઇને શાસક ભાજપ અને સાથે વહીવટી શાખા ભ્રષ્ટાચારથી પુરેપુરી રીતે ખરડાઇ ચુક્યા છે. જો કે તપાસના નામે મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની…

રાજકોટનુ ઐતિહાસિક જંગલેશ્વર ડિમોલિશનનને લઇને શાસક ભાજપ અને સાથે વહીવટી શાખા ભ્રષ્ટાચારથી પુરેપુરી રીતે ખરડાઇ ચુક્યા છે. જો કે તપાસના નામે મેયર ડો.નેહલ શુક્લે ‘સીટ’ની રચના જરૂૂર કરી છે પરંતુ કહેવાતી આ તપાસ કમિટી જાણે મુર્છિત અવસ્થામાં ચાલતી તપાસ વચ્ચે હવે ડિમોલિશનમાં થયેલા ભ્રષ્ટાચારને લઇને વિપક્ષ કોંગ્રેસના નગરસેવકોએ આગામી તા.20મી અને સોમવારે મળનાર જનરલ બોર્ડમાં અધિકારીઓ અને પરોક્ષ રીતે શાસકો પણ જવાબદાર હોવાની રણનીતિ સાથે સવાલોનો ચક્રવ્યુહ ઘડ્યો છે.

સોમવારે મળનાર જનરલ બોર્ડમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો તરફથી કુલ 61 જેટલા પ્રશ્નો રજૂ થયા છે. આ વખતે પણ તમામ નગરસેવકોને બોલવાની પુરતી તક આપવામા આવશે. ગત વખતની જેમ જનરલ બોર્ડ સાંજ સુધી ચાલશે તે નિશ્ચિત છે. દરમિયાન છેલ્લા ઘણા દિવસથી ગાજતા જંગલેશ્વર ડિમોલિશનની આડમાં થયેલા લાખો રૂૂપિયાના ભ્રષ્ટાચારનું પ્રકરણ જનરલ બોર્ડમાં ધુણશે. વિપક્ષ કોંગ્રેસના પાંચ નગરસેવકોએ મુકેલા પ્રશ્નોમાં સામુહિક રીતે જંગલેશ્વર ડિમોલિશનને લગતા સવાલોનો મારો ચલાવ્યો છે.

ડિમોલિશનમાં કેટલો ખર્ચ થયો? રેઇટ કોન્ટ્રાક્ટથી કઇ કઇ જગ્યાએ ખર્ચ કરાયા? કેટલા ખર્ચનું ચુકવણુ થઇ ગયુ છે? તપાસ કમિટીની રચના થયા બાદ કેટલા પેમેન્ટ અટકાવાયા છે? એ સહિતના જવાબ કોંગ્રેસના નગરસેવકોએ માગ્યા છે. હવે જોવાનું એ રહ્યુ કે, જનરલ બોર્ડના અધ્યક્ષની હાજરીમાં જંગલેશ્વર ડિમોલિશનને લગતા સવાલોના ચક્રવ્યુહમાંથી છટકવા માટે અધિકારીઓ લેખિત જવાબમાં કેવી ચાલાકી અપનાવે છે.
ગત બોર્ડમાં ટીપીના પ્રશ્નમાં અધિકારીઓને પરસેવો વળી ગયો હતો. આ વખતે ફરી ટીપી શાખા ઉપર જ ગાળિયો કસાવવામા આવ્યો છે. આ વખતે પણ પ્રથમ પ્રશ્ન ટીપી શાખાને જ સાણસામાં લેવા માટેના થયા છે.

શહેરની ટીપી સ્કીમોમાં જાહેર ઉપયોગ માટે અનામત રાખવામાં આવતી જમીનનો જે તે હેતુ શાળા, બગીચા, આરોગ્ય કેન્દ્ર, કોમ્યુનિટી હોલ માટે કેટલો વાસ્તવિકત ઉપયોગ થયો છે અને બાકીની જગ્યાનો ઉપયોગ કેટલા સમયમાં કરવામાં આવશે? શહેરના મુખ્ય રસ્તા વાઇડનીંગ (પહોળા) કરવા માટે કયા રસ્તાઓની પસંદગી કરવામાં આવી છે, છેલ્લા ત્રણ વર્ષમાં દરેક રસ્તા માટે કામ શરૂૂ કરવા માટેની સમયમર્યાદા શું છે, હાલમાં કેટલા રસ્તાઓનું જમીન સંપાદન બાકી છે એ સહિતની માહિતી માંગવામાં આવી છે. મનપાની માલિકીની કુલ જમીન, દુકાનો સહિતની મિલ્કતોની યાદી અને સ્થિતિ શું છે? દબાણ, ભાડે આપવા, વાર્ષિક આવકના આંકડા પુછયા છે.

પ્રશ્નોતરીની વિગત અગાઉથી મીડિયા સુધી ન પહોંચે તેવા નિષ્ફળ ધમપછાડા
મનપાના અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય નથી બનતુ એવુ હવે બનવા લાગ્યુ છે. પારદર્શક વહીવટનું કચરઘાણ નિકળી રહ્યુ છે. જનરલ બોર્ડ એ જનતા માટેનું હોય છે. પ્રજાના હિતની વાત માટે નગરસેવકો દ્વારા મુકાતા સવાલો જનરલ બોર્ડ પૂર્વે મીડિયા સુધી ન પહોંચે એ માટે નિષ્ફળ પ્રયાસ થયા છે. સેક્રેટરીને એવી ચોખ્ખી સુચના આપવામા આવી છે કે, ક્યા નગરસેવકે કઇ બાબતનો સવાલ મુક્યો છે એ માહિતી કોઇને આપવી નહી! આવા નિર્ણય પાછળનો આશય શું હોઇ શકે? એવો અહમ સવાલ ઉઠી રહ્યો છે.

સાંઢિયા પુલના બ્રિજને શ્યામાપ્રસાદ મુખર્જી અને પોપટપરાની ટાઉનશિપને જનકભાઇ કોટકનું નામ આપવા મૂકાશે દરખાસ્ત
જામનગર રોડ પર સાંઢીયા પુલની જગ્યાએ નવા બનાવવામાં આવેલા ફોરલેન બ્રીજને શ્યામા પ્રસાદ મુખર્જી નામ આપવા નિર્ણય કરવામાં આવ્યો છે. થોડા સમય પહેલા અવસાન પામેલા રાજકોટના પૂર્વ મેયર અને સજ્જન સેવાભાવિ અગ્રણી તરીકે લોકોના દિલમાં રાજાની જેમ રાજ કરનારા સ્વ. જનકભાઇ કોટકનું નામ પણ યાદી સાથે જોડવામાં આવ્યું છે. પોપટપરામાં ફાઇનલ પ્લોટ 12-બીમાં રહેલી આવાસ યોજનાને જનકભાઇ કોટકનું નામ અને 12-એમાં રહેલી આવાસ યોજનાને ગોધુમલભાઇ આહુજા નામ આપવા શાસકોએ નિર્ણય કર્યો છે. જ્યારે વોર્ડ નં.10માં યુનિ. રોડ અને કાલાવડ રોડને ક્રોસ કરતા વોકહાર્ટ હોસ્પીટલ પહેલાની શેરીમાં સિધ્ધિ વિનાયક મંદિર આવેલું છે. આ મંદિરના બીજા રોડને મંદિરના નામ સાથે જોડવા મવડીથી રામધણના રસ્તે સાવન ચોકના રસ્તે આવેલા માર્ગને પોપટભાઇ લાખાભાઇ સોરઠીયા નામકરણ કરવાની દરખાસ્ત પણ એજન્ડામાં છે.