ગુજરાત
સુરેન્દ્રનગરમાં ફટાકડાના રૂપિયાની ઉઘરાણીમાં વેપારીને ભડાકે દીધા
દિવાળીએ પાનના ધંધાર્થીના ફટાકડાના સ્ટોલ પરથી 35 હજારના ઉધાર લીધેલા ફટાકડાની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલીમાં ખેલાયો ખુની ખેલ
સુરેન્દ્રનગર પંથકમાં કાયદો અને વ્યવસ્થા કથળીને બેહાલ થઈ હોય તેમ દિવાળીના પર્વમાં બે સ્થળે ફાયરિંગની ઘટના કઢી હોવાની સામે આવી છે. જેમાં સુરેન્દ્રનગરમાં પાન ફાકીના ધંધાર્થીએ દિવાળીએ કરેલા ફટાકડાના સ્ટોલમાંથી ઉધારમાં લીધેલા ફટાકડાના રૂૂ.35,000 ની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી પાન ફાકીના ધંધાર્થી ઉપર બે રાઉન્ડ ફાયરિંગ કરી હત્યા કર્યા અનેની ઘટના પ્રકાશમાં આવતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં આવેલા જોરાવરનગર વિસ્તારમાં રહેતા જીતેન્દ્રસિંહ અગરસિંહ ગોહિલ નામના 50 વર્ષના આધેડ રાત્રીના દસેક વાગ્યાના અરસામાં પોતાની મયુર પાન નામની દુકાને હતા ત્યારે વનરાજ કાળુ ખાચર નામના શખ્સે જીતેન્દ્રસિંહ ગોહિલ ઉપર પોતાની રિવોલ્વરમાંથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જીતેન્દ્રસિંહ ગોહિલને છાતીના ભાગે ગોળી વાગી જતા લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. જીતેન્દ્રસિંહ ગોહિલની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ઘટના સ્થળે મોત નીપજતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી.
આ ઘટના અંગે જાણ થતા જોરાવરનગર પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો. અને પોલીસે મૃતક જીતેન્દ્રસિંહ ગોહિલના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક જીતેન્દ્રસિંહ ગોહિલ ચાર ભાઈ બે બહેનમાં નાના હતા. અને તેમને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. જીતેન્દ્રસિંહ ગોહિલ મયુર પાન નામે દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
જીતેન્દ્રસિંહ ગોહિલ તેના ભત્રીજા મયુરસિંહ ગોહિલ સાથે દર દિવાળીએ ફટાકડાનો સ્ટોલ કરે છે અને વનરાજ કાળુ ખાચર નામના શખ્સે ગત દિવાળીએ રૂૂ.35,000 ના ફટાકડા ઉધારમાં લીધા હતા જે રૂૂ.35,000 ની ઉઘરાણી મુદ્દે ત્રણ ચાર દિવસ પૂર્વે થયેલી બોલાચાલીનો ખાર રાખી વનરાજ ખાચરે જીતેન્દ્રસિંહ ગોહિલ પોતાની પાન ફાકીની દુકાને હતા ત્યારે બે રાઉન્ડ ફાયરિંગ કરી છાતીમાં ગોળી ધરબી દઈ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે સુરેન્દ્રનગર પોલીસે વેપારી આધેડના હત્યારા વનરાજ કાળુ ખાચર વિરુદ્ધ ફરિયાદ નોંધી ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.