રાજુલા પંથકમાં હનીટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં જાફરાબાદ તાલુકાના વારાસ્વરૂૂપ ગામના એક યુવકને પ્રેમજાળમાં ફસાવી, અવાવરૂૂ જગ્યાએ બોલાવી તેનું પેન્ટ ઉતરાવી મહિલા સાથે બીભત્સ વીડિયો ઉતારવામાં આવ્યો હતો. આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી 5 લાખ રૂૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરી મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, વારાસ્વરૂૂપ ગામના યુવકને આ ગેંગના જ એક સભ્ય સાથે અગાઉથી ઓળખાણ હતી. આ ઓળખાણનો લાભ ઉઠાવી અન્ય આરોપીઓ સાથે મળીને એક પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું હતું. યુવકને રાત્રિના સમયે હિંડોરણા ગામ નજીક બાવળની કાંટમાં બોલાવવામાં આવ્યો હતો. ત્યાં તેને ઢીકાપાટુનો માર મારી, ડરાવી-ધમકાવીને એક મહિલા સાથે તેનો પરિચય કરાવ્યો હતો.
ત્યારબાદ, આરોપીઓએ યુવકનું પેન્ટ ઉતરાવી તેને નિર્વસ્ત્ર કરી મહિલા સાથેનો બીભત્સ વીડિયો ઉતારી લીધો હતો. આટલેથી ન અટકતા, આરોપીઓએ યુવક પાસેથી તેનો મોબાઈલ અને ખિસ્સામાં રહેલી ₹1950ની રોકડ રકમ પણ લૂંટી લીધી હતી. ટના બાદ આરોપીઓએ યુવકને ધમકી આપી હતી કે જો તે 5 લાખ રૂૂપિયા નહીં આપે તો આ બીભત્સ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે અને તેને જાનથી મારી નાખવામાં આવશે. ગભરાયેલા યુવકે આખરે રાજુલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ઘટનાની ગંભીરતાને જોતા DYSP નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ રાજુલા PI વી.એમ. કોલાદરા અને તેમની ટીમે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસે કુલ 5 આરોપીઓ પૈકી 3ની ધરપકડ કરી લીધી છે.ઝડપાયેલા આરોપીઓમાં સમીનાબેન સબીરભાઈ સેલોત (રાજુલા), જીતેન્દ્ર ઉર્ફે જીતુ રાઘવભાઈ ચૌહાણ (રાજુલા), કરણ દંતુભાઈ પટાટ (હિંડોરણા)નો સમાવેશ થાય છે તેમજ લખમણભાઈ વાલેરાભાઈ પટાટ, દેસુરભાઈ વાલેરાભાઈ પટાટની શોધખોળ શરૂ કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલ રોકડ, 5 મોબાઈલ ફોન અને બાઈક સહિત કુલ ₹ 77,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 308(5), 115(2), 351(3), 352, 54 અને 61 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ પકડાયેલા ત્રણેય આરોપીઓ રિમાન્ડ પર છે અને પોલીસ અન્ય બે આરોપીઓને પકડવા માટે તપાસ ચલાવી રહી છે. રાજુલા પોલીસે આ હનીટ્રેપના કાવતરાનો પર્દાફાશ કરી ગણતરીની કલાકોમાં સફળતાપૂર્વક ઓપરેશન પાર પાડ્યું છે. જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી છે.

