મોરબીમાં નવલખી ફાટક બ્રીજની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં દારૂના નશામાં ગાળો બોલતાં બે ભત્રીજાને કાકાએ ઠપકો આપ્યો હતો. જેથી ઉશ્કેરાયેલા બન્ને નસેડીએ કાકા ઉપર છરી વડે હુમલો કરી આંખ ફોડી નાખી હતી. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
આ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબીમાં નવલખી ફાટક બ્રીજની બાજુમાં આવેલ ઝુંપડપટ્ટીમાં રહેતાં ગભાભાઈ જીવાભાઈ પરમાર નામના 70 વર્ષના વૃધ્ધ પોતાના ઘર પાસે હતાં ત્યારે સાંજના ચારેક વાગ્યાના અરસામાં તેનાં ભત્રીજા ચકુ પરમાર અને ભગા પરમારે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. જે હુમલામાં ગભાભાઈ પરમારની આંખ ફુટી જતાં તેમને તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાથમિક પુછપરછમાં હુમલાખોર બન્ને શખ્સો બે દિવસથી દારૂ પી ગાળો બોલતાં હતાં. જેથી ગભાભાઈ પરમારે બન્ને ભત્રીજાને દારૂના નશામાં ગાળો બોલવાની ના પાડી હતી. જેથી ઉશ્કેરાયેલા બન્ને નેસડીએ કાકા પર છરી વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

