ક્રાઇમ
મોરબીમાં ભાડૂઆતે દુકાન ખાલી ન કરતા ભત્રીજાએ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી
એક વર્ષથી ભાડું ન આપી દુકાનનો કબજો ચાલુ રાખ્યો, ડીવાયએસપીએ તપાસ શરૂ કરી
મોરબીમાં આવેલ ઉમા ટાઉનશીપમાં શોપિંગ સેન્ટરની દુકાન ભાડુઆતે પચાવી પાડેલ હોય હાલમાં મોરબીના ધારાસભ્યના ભત્રીજાએ મોરબી બી-ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીના રવાપર રોડે આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં રહેતા મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયાના ભત્રીજા કૌશીક શાંતિલાલ અમૃતિયા (ઉ.33)એ ભૂપેન્દ્ર સવજીભાઈ જેતપરિયા રહે.મોરબીવાળા સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવેલ છે. જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીની ઉમા ટાઉનશીપમાં આવેલ ડી શોપિંગ સેન્ટરની દુકાન નં. ડી- 14 આરોપીએ ભાડે રાખેલ હતી. જેનું માર્ચ 2023 સુધી ભાડું આપેલ હતું ત્યાર બાદ કોઈ ભાડું આપેલ નથી અને દુકાન નં.ડી- 14 ખાલી નહીં કરીને દુકાનમાં ગેરકાયદેસર કબજો ચાલુ રાખ્યો છે, દુકાન પચાવી પાડી તેનો વપરાશ ચાલુ રાખેલ છે. જેથી હાલમાં કૌશિક અમૃતિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરી છે. આ અંગેની આગળની વધુ તપાસ ડીવાયએસપી પી.એ. ઝાલા ચલાવી રહ્યા છે.