ગુજરાત
મોરબીમાં પત્નીનું ગળું કાપી હત્યા નિપજાવતો પતિ
ચારિત્રની શંકા કરી ગળા પર છરીના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું, પતિની ધરપકડ
મોરબીના જેતપર રોડ ઉપર બેલા ગામ નજીક આવેલ મુરાનો સિરામિકના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની પત્ની વતનમાં ગઈ હતી અને ત્યાંથી પરત આવી ત્યારબાદ મહિલાના મોબાઈલ ફોન ઉપર કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હોય પતિ પત્ની વચ્ચે તે બાબતને લઈને બોલાચાલી અને ઝઘડો થયો હતો અને ત્યારે પતિએ મારી નાખવાના ઇરાદે પત્નીને ગળાના ભાગ ઉપર છરીનો કાપો મારી દેતા તેને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારા પતિને અણીયારી ટોલનાકા નજીકથી ઝડપી લીધો છે.
એમપીના રાજગઢ જિલ્લાના રહેવાસી સુનિલ રાધેશ્યામ માલવીય (25) એ હાલમાં કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે મોરબીના જેતપર રોડ ઉપર પીપળી ગામથી આગળ બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા આરોપી કનૈયાલાલના પત્ની ધાપુબાઈ છેલ્લા છ થી સાત મહિનાથી તેના વતનમાં રહેતા હતા અને તેનો મોબાઇલ ફોન આરોપી કનૈયાલાલ પાસે હતો અને તે મોબાઇલમાં કોઈ અજાણ્યા છોકરાના ફોન આવતા હતા જેથી કરીને આરોપીને તેના પત્ની ધાપુભાઈના ચરિત્ર્યની શંકા ગયેલ હતી અને બેસતા વર્ષના દિવસે ધાપુબાઇ ફરિયાદી સાથે તેના વતનમાંથી મોરબી રહેતા તેના પતિ પાસે આવ્યા હતા અને ત્યારે ઓરડીમાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી અને માથાકૂટ થઇ હતી ત્યારે આરોપીએ ધાપુબાઈને કહેલ કે તારા ફોનમાં કોઈ છોકરાનો ફોન આવે છે, તારે તેની સાથે શું સંબંધ છે તેમ કહીને ઝઘડો કર્યો હતો અને ત્યારબાદ છરી વડે ધાપુબાઇને ગળાના ભાગે તેના પતિએ કાપો મારી દેતા ધાપુબાઇનું મોત નીપજ્યું હતું.
મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં આવેલ મુરાનો સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં ગઈકાલે બપોરના સુમારે મધ્યપ્રદેશના વતની ધાપુબેન કનૈયાલાલ માલવીય નામના મહિલાની ગળાના ભાગે છરીના ઘા ઝીકી તેણીના જ પતિ આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીયએ હત્યા કરી નાખતા બનાવની જાણ થતા જ મોરબી તાલુકા પોલીસે ગુન્હો નોંધી આરોપીને પકડી પાડવા તજવીજ શરૂૂ કરી હતી જેમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના અણીયારી ટોલનાકા નજીકથી વતનમાં જવાની ફિરાકમાં હોવાની બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમે આરોપીને ઝડપી લીધો છે.