શહેરમાં સામા કાંઠા વિસ્તારમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી સગીરાને મોબાઇલ મુદ્દે દાદીએ ઠપકો આપ્યો હતો. દાદીના ઠપકાથી માઠું લાગી આવતા પૌત્રીએ ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. સગીરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ લાલપરી વિસ્તારમાં રહેતી અને ધો.9માં અભ્યાસ કરતી મુસ્કાનબેન રજાકભાઈ રાજા નામની 14 વર્ષની સગીરા પોતાના ઘરે હતી ત્યારે સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં લોખંડના એંગલ સાથે ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.
સગીરાને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબિબે જોઈ તપાસી નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી છે.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક મુસ્કાનબેન રાજાના પિતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે અને મુસ્કાનબેન રાજા બે ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતી અને ધો.9માં અભ્યાસ કરતી હતી મુસ્કાનબેન રાજા મોડી રાત સુધી મોબાઈલમાં મશગુલ રહેતી હતી જેના કારણે દાદીએ ઠપકો આપ્યો હતો. દાદીના ઠપકાશી માઠુ લાગતા આત્મઘાતી પગલું ભરી લીધું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
