જેતપુરમાં હડકાયા શ્ર્વાને બે વૃધ્ધા સહિત આઠને બચકા ભરી લેતા ફફડાટ

જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાંઅનેક લોકોને બચકાં…

જેતપુર શહેરમાં રખડતા અને હડકાયા શ્વાનનો આતંક ચરમસીમાએ પહોંચ્યો છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં એક હિંસક બનેલા શ્વાને એક જ દિવસમાંઅનેક લોકોને બચકાં ભરી લોહીલુહાણ કરી નાખતા ભારે ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે.

આ વિસ્તારમાં લોકો બહાર નીકળતાં પણ ડરી રહ્યા છે. શહેરના ટાકૂડીપરા અને બાવાવાળા પરા વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનનો ત્રાસ હતો, પરંતુ ગઇકાલે એક શ્વાન હડકાયું બન્યું હોય તેમ રસ્તા પરથી પસાર થતાં નિર્દોષ નાગરિકો પર તૂટી પડ્યું હતું.

આ હુમલામાં મંજુલાબેન કાછડીયા અને વિજયાબેન પટેલ નામના બે વૃદ્ધા સહિત અનેક લોકો શ્વાન કરડવાથી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. શ્વાનના આ હિંસક હુમલાનો 8 જેટલા લોકો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમાંથી છ જેટલા ભોગ બનનારાઓએ સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

આ ઘટનાને પગલે બંને વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. શ્વાનના ડરથી લોકોએ પોતાના બાળકોને ઘરની બહાર રમવા મોકલવાનું બંધ કરી દીધું છે, તેમજ વૃદ્ધો પણ શેરીઓમાં નીકળતા ગભરાઈ રહ્યા છે. સ્થાનિક રહીશોએ ભારે રોષ સાથે જણાવ્યું હતું કે, નગરપાલિકા તંત્રને આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. લોકોએ માંગ કરી છે કે આ હડકાયા શ્વાનને તાત્કાલિક ઝડપી લેવામાં આવે જેથી કરીને લોકો નિશ્ચિંત બનીને હરીફરી શકે.