જામનગરમાં કોંગ્રેસે પોલીસને ચકમો આપી શેરી-ગલીઓમાંથી રેલી કાઢી

રાષ્ટ્રીય દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ દેશવ્યાપી અભિયાન અંતર્ગત જામનગરમાં બાઇક રેલીની મંજૂરી રદ કરવામાં આવતાં રાજકીય ગરમાવો ફેલાયો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લાલ બંગલા…

રાષ્ટ્રીય દ્વારા ‘મત બચાવો, દેશ બચાવો’ દેશવ્યાપી અભિયાન અંતર્ગત જામનગરમાં બાઇક રેલીની મંજૂરી રદ કરવામાં આવતાં રાજકીય ગરમાવો ફેલાયો હતો. જિલ્લા કોંગ્રેસ કાર્યાલયથી લાલ બંગલા સર્કલ ખાતે આવેલી ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા સુધી અને ત્યાંથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસે રેલીની મંજૂરી ન આપતાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પોલીસને ચકમો આપીને કાર્યકરોએ ગલીઓમાંથી રેલી કાઢતાં પોલીસ અને કાર્યકરો વચ્ચે ચોર-પોલીસ જેવી સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાને પગલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર એલસીબી, એસઓજી સહિતની પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

રેલી માટે અગાઉ મંજૂરી માગવામાં આવી હતી, પરંતુ રાત્રિના સમયે મંજૂરી રદ કરવામાં આવતાં આગેવાનોમાં નારાજગી ફેલાઈ હતી. જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે એકત્ર થયેલા કાર્યકરો અને આગેવાનોએ પોલીસ તથા વહીવટી તંત્રની કામગીરી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો.

જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર પોલીસનો ચુસ્ત પહેરો હોવા છતાં શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો અને કાર્યકરોએ લીમડા લેન તરફની ગલીઓમાંથી પસાર થઈ બાઇક રેલી કાઢી હતી. ત્યારબાદ કાર્યકરો ફરી કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશી ગયા હતા અને ગેટ બંધ કરી દીધો હતો. આ ઘટનાને પગલે પોલીસ અને કાર્યકરો વચ્ચે દોડધામભરી સ્થિતિ સર્જાઈ હતી.

ઘટનાને પગલે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બહાર કિલ્લેબંધી જેવો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એલસીબી, એસઓજી તેમજ સિટી એ, બી અને સી ડિવિઝનના પોલીસ કર્મચારીઓ, વાહનો અને બસો સહિતનો કાફલો તહેનાત કરવામાં આવ્યો હતો. પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમ, શહેર કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજા સહિતના આગેવાનો કાર્યાલયની અંદર હાજર રહ્યા હતા, જ્યારે બહાર પોલીસનો ચુસ્ત પહેરો જોવા મળ્યો હતો.

લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ: વિક્રમ માડમ
પૂર્વ સાંસદ વિક્રમભાઈ માડમે પોલીસની કામગીરી સામે આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, લોકશાહીનું ગળું ઘોંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો કલેક્ટરને આવેદનપત્ર આપવા જવા માગતા હોય તો તેમાં વાંધો શા માટે? ચાર દિવસ પહેલાં ભાજપ મહિલા મોરચાની રેલીને પોલીસ દ્વારા માર્ગ કરી આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસે રેલીની મંજૂરી માગી હોવા છતાં રાત્રિના દોઢ વાગ્યે મંજૂરી નકારવામાં આવી હતી.