જામનગરમાં 60 ફૂટના રસ્તાને 10 ફૂટનો કરી નખાતા હાલાકી

જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તે થાંભલીઓ મૂકવામાં આવી છે.ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી ની…

જામનગરમાં તળાવની પાળે ડિસ્ટ્રિક્ટ લાયબ્રેરી પાસે ભુજીયા કોઠાથી શ્રી બાલા હનુમાન મંદિર તથા શ્રી સત્યનારાયણ મંદિર તરફ જતા રસ્તે થાંભલીઓ મૂકવામાં આવી છે.ડિસ્ટ્રીક્ટ લાયબ્રેરી ની દિવાલથી રણમલ તળાવ સંકુલ ગેઇટ નં. 8 વચ્ચેનો આ રસ્તો 50-60 ફૂટ પહોળો છે પરંતુ તેમાં એક ખુલી ઝાપલી મૂકી બાકીનાં 40 ફૂટ જેવા રસ્તામાં થાંભલીઓ મૂકવામાં આવી છે જેને પગલે આ રસ્તામાં પ્રવેશવામાં અને બહાર નીકળવામાં વાહનચાલકોને હાલાકી પડે છે. આ થાંભલીઓનો શું ઉદેશ્ય છે એ જ સમજી શકાય એવું નથી. પ્રસિદ્ધ શ્રી બાલા હનુમાન મંદિર તથા પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરે આવતા હજારો દર્શનાર્થીઓને આ થાંભલીઓને કારણે હાલાકી થાય છે.

જો થાંભલીઓ દૂર કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઇ શકે એમ છે અને દર્શનાર્થીઓને મોટી રાહત મળી શકે એમ છે. આ ઉપરાંત આ થાંભલીઓને કારણે ખંભાળીયા ગેઇટ તરફનાં ઢાળીયાની ભુજીયા કોઠાનાં પ્રવેશદ્વાર પાસે પેટ્રોલ પંપ નજીકની ગોળાઈ ખૂબજ ટૂંકી અને અકસ્માતજનક થઇ ગઇ છે. આ થાંભલીઓ દૂર કરવામાં આવે તો ત્યાં પૂરતી ગોળાઇ મળી શકે અને અકસ્માતો નિવારી શકાય. હવે જ્યારે ટૂંક સમયમાં ભુજીયા કોઠાનું લોકાર્પણ થવાનું છે ત્યારે ત્યાં પર્યટકોની ભીડ પણ ઉમટશે જેને પગલે અહીં રસ્તો પહોળો કરવાની જરૂૂરિયાત ઉદભવશે ત્યારે આ થાંભલીઓ દૂર કરવાથી વાહનચાલકોને પૂરતી ગોળાઈ મળવા ઉપરાંત ટ્રાફિકની સમસ્યા પણ દૂર થઇ શકે એમ છે. આ મુદ્દે યોગ્ય પગલા લેવા કમિશ્નરને રજૂઆત કરવામાં આવી છે.