Site icon Gujarat Mirror

વધુ એક યુવકનું ખાખી પહેરવાનું સપનું અધૂરું રહ્યું.. ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક પિતાની નજર સામે જ ઢળી પડ્યો

 

છોટાઉદેપુરના એક યુવાન માટે પોલીસ ભરતીની શારીરિક કસોટી ઘાતક સાબિત થઇ છે. ગોધરા ખાતે આવેલા એસ.આર.પી. ગ્રુપ-5ના મેદાનમાં વહેલી સવારે દોડતી વખતે શ્વાસ ચડતા 27 વર્ષીય યુવકનું મોત થયું હતું. આ ઘટનાની સૌથી દુખદ વાત એ છે કે પિતાની નજરની સામે જ જુવાન જોધ પુત્રનું મોત થયું.

આ ઘટનાની મળતી માહિત અનુસાર મૃતક યુવકનું નામ જશપાલસિંહ રાઠવા હતું અને તે છોટાઉદેપુર જિલ્લાના કોલીયારી ગામનો રહેવાસી હતો. આજે વહેલી સવારે ગોધરાના એસ.આર.પી. ગ્રાઉન્ડ પર આયોજિત રનિંગ ટેસ્ટ દરમિયાન જશપાલસિંહ અચાનક શ્વાસ ચડતા તે જમીન પર ઢળી પડ્યો હતો. દીકરાને મેદાન પર પડતો જોઈને પિતા આઘાતમાં આવી ગયાં હતાં. ઘટનાસ્થળે હાજર સ્ટાફ અને અન્ય લોકો તાત્કાલિક યુવકની મદદે દોડી આવ્યા હતા.ત્યારબાદ યુવકને સારવાર અર્થે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. પુત્રનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે.

આ ઘટનાની જાણ થતાં ગોધરા એ-ડિવિઝન પોલીસનો કાફલો સિવિલ હોસ્પિટલે પહોંચ્યો હતો. પોલીસે મૃતક યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. પિતાની આંખો સામે જ પુત્રનું મોત થતાં તેઓ ઊંડા આઘાતમાં સરી પડ્યા હતા.

 

 

Exit mobile version