ગુજરાત
ભાણવડના ઢેબર ગામે પરસ્ત્રીને મેસેજ કરવાના પ્રકરણમાં પ્રૌઢ સહિત બે પર ચારનો હુમલો
ખંભાળિયા નજીક બે કારના અકસ્માતમાં મુસાફરોને ઇજા: દ્વારકાના ધ્રાસણવેલ ગામમાંથી જુગાર રમતા બે પકડાયા
ભાણવડ તાલુકાના ઢેબર ગામે રહેતા બાબુભાઈ આલાભાઈ ખાવડુ નામના 57 વર્ષના પ્રૌઢ તેમજ સાહેદ અશ્વિનભાઈ ખાવડુ ઉપર લાકડી તથા લોખંડની પાવડી વડે હુમલો કરી, ઈજાઓ કરવા સબબ કારાભાઈ બલવા, મયુર બલવા, રણજી બલવા અને મુકેશ બલવા નામના ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદી પરિવારનો એક યુવાન આરોપી પરિવારની પત્નીને ફોન અને મેસેજ કરતો હોય, જે બાબતે ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે.
મુસાફરો ઘવાયા
બિહાર રાજ્યના શિવાન જિલ્લાના ભગવાનપુર વિસ્તારના મૂળ રહીશ અને હાલ કલોલ તાલુકામાં રહેતા શિવમ સંજયભાઈ સિંઘ નામના 19 વર્ષના યુવાન જી.જે. 01 કે.વાય. 8095 નંબરની ઈક્કો મોટરકારમાં તેમના પરિવારનો સાથે દ્વારકા દર્શનાર્થે ગયા હતા. દર્શન કરીને પરત આવી રહેલા શિવમ તેમજ તેમના પરિવારજનો ખંભાળિયા નજીકના દ્વારકા માર્ગ પર આવેલી વ્યાસ હોટલ પાસે પહોંચતા આ માર્ગ પર પૂરઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલી જી.જે. 05 જે.સી. 0813 નંબરની સ્વીફ્ટ મોટરકારના ચાલકે સામેથી ઈક્કો કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જેના કારણે ઈક્કોમાં જઈ રહેલા શિવમ, તેના દાદા, તેના માતા તેમજ તેની બહેનને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે શિવમ સંજયભાઈની ફરિયાદ પરથી સ્વીફ્ટ મોટરકારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. આઈ.આઈ. નોયડા દ્વારા હાથ ધરવામાં આવી છે.
બે જુગારીઓ ઝડપાયા
દ્વારકા તાલુકાના ધ્રાસણવેલ ગામમાં આવેલા એક મંદિર પાસેથી પોલીસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા સાજણભા ગગુભા માણેક અને તેજાભા સાજાભા સુમણીયા નામના બે શખ્સોને ઝડપી લઇ, કુલ રૂૂપિયા 10,300 નો મુદ્દામાલ કબજે કરી, જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.