કચ્છ
ભુજમાં એક લાખના દોઢ લાખ આપવાની લાલચ આપી કોન્ટ્રાક્ટર પાસેથી ત્રણ લાખની લૂંટ
એક્ટિવામાં આવેલા ચીટરો સીસીટીવીમાં કેદ, પોલીસે આરોપીને પકડવા ટીમો બનાવી
સોશિયલ મીડીયાના માધ્યમથી અલગઅલગ લોભામણી જાહેરાતો કરી લોકોને છેતરવાના કિસ્સાઓ અવારનવાર સામે આવી રહ્યા છે તેવામાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક લાખના દોઢ લાખ કરી આપવાની લાલચ આપી નાસીકના કોન્ટ્રાક્ટરને ભુજમાં બોલાવી એક્ટીવા પર આવેલા બે ચીટરો લોકોની સતત અવરજવર વાળા જ્યુબિલી સર્કલ પરથી રૂૂપિયા 3 લાખ ભરેલી થેલી ઝુંટવી ગયા હોવાનો બનાવ સામે આવ્યો છે.સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ મેળવી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ મુળ નખત્રાણાના નાના કાદીયાના અને હાલ નાસીકમાં રહેતા ફરિયાદી કિશોરભાઈ અરવિંદભાઈ પટેલે ભુજ શહેર બી ડીવીઝન પોલીસ મથકે આરોપી વિવેક પંડ્યા અને એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોધાવ્યો છે.ફરિયાદીના જણાવ્યા મુજબ પંદરેક દિવસ અગાઉ આરોપીની ઇન્સ્ટાગ્રામ આઈડી પર રૂૂપિયા 500 ની નોટોના બંડલ અને એક લાખના દોઢ લાખ કરવાની જાહેરાત જોઈ હતી.લાલચમાં આવેલા ફરિયાદીએ સંપર્ક કરતા આરોપીએ પોતે માધાપરનો હોવાનું કહ્યું હતું.જે બાદ અવારનવાર વોટ્સએપ કોલ પર વાતચીત થતી હતી.એ દરમિયાન આરોપીએ ઓછામાં ઓછા ત્રણ લાખ રૂૂપિયા હોય તો દોઢ ગણા કરી આપવામાં આવશે તેવું કહ્યું હતું.જેથી ફરિયાદીએ આ બાબતે તેના મિત્ર ભૌતિક ઈશ્વરભાઈ ભગતને વાત કરી હતી.
જે બાદ 8 નવેમ્બરના ફરિયાદી પોતાના બે લાખ રૂૂપિયા અને મિત્રના એક લાખ રૂૂપિયા સાથે માધાપર આવવા નીકળ્યા હતા.અને શનિવારે સાંજે માધાપર પહોચ્યા બાદ આરોપીનો સંપર્ક કરતા અલગઅલગ જગ્યાએ ફેરવી અંતે જ્યુબિલી સર્કલ બોલાવ્યા હતા.જ્યાં એક્ટીવા પર આવેલા બન્ને આરોપીઓએ ફરિયાદીને પોતાની રોકડ બતાવવાનું કહ્યું હતું ત્યારે રૂૂપિયા 3 લાખ ભરેલી થેલી બતાવતા જ આરોપીઓ ઝુંટવી લઇ ભાગી છુટ્યા હતા. પીઆઈ વી.બી.પટેલે જણાવ્યું કે,લુંટની ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.