કચ્છ
અંજારના લાખાપરમાં નિમકોટેડ યુરિયા મામલે ભચાઉના શખ્સ સામે ગુનો નોંધાયો
સેમ્પલ એફએસએલમાં મોકલ્યા બાદ 24 દિવસે પોલીસમાં ફરિયાદ
અંજારના લાખાપરમાં તા.14/10 ના ખેડૂતોએ સરકારી સબસડી વાળો યુરીયા ખાતરનો જથ્થો જે ખાનગી કંપનીઓમાં સપ્લાય કરાતો હતો તેને રોકી ખેતીવાડી અધીકારીને જાણ કરાયા બાદ જથ્થો જપ્ત કરી સેમ્પલ ચકાસણીમાં મોકલાયા હતા. રિપોર્ટ આવી જતાં આ જથ્થો નિમકોટેડ યુરિયાનો જ જથ્થો હોવાનુ ખુલતાં ખેતીવાડી અધિકારીએ અંજાર પોલીસ મથકે જીપના ચાલક અને જીપના માલિક બન્ને વિરૂૂધ્ધ ખેડૂતો માટેના યુરીયાની હેરાફેરી કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.
અંજાર ખાતે ખેતીવાડી અધિકારી તરીકે ફરજ બજાવતા ચંદુલાલ જગાજી માળીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, તા.14/10 ના સવારે લાખાપરના ખેડૂતોએ ખેડૂતો માટેના સરકારી સબ સીડી વાળા નિમકોટેડ યુરીયાનો જથ્થો જીપમાં હેરાફેરી કરાતો હતો તેને લોકોએ રોક્યા બાદ અંજાર કિશાન સંઘના પ્રમુખ રામજી શામજીભાઇ મરંડે આ બાબતની જાણ કરી હતી. બાદમાં સ્થળ ઉપર જઇ માલવાહક જીપમાં લઇ જવાતા રૂૂ.21,300 ની કિંમતના યુરીયા ખાતરના જથ્થા સાથે જીપના ચાલક તરસંગજી જીવણજી રાણાવાડીયાની પુછપરછના આધારે જીપના માલીક ભચાઉના ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરની અટક કરી આ ખાતરના જથ્થામાંથી સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલાયા હતા.
બીજી તરફ આ બન્ને જણાની પુછપરછમાં આ યુરિયા ખાતર ભચાઉ રહેતા પ્રકાશ પટેલનું નામ આપ્યું હતું જેના આધારે અંજાર પોલીસે ભચાઉના પ્રકાશ પટેલના રહેણાક મકાનમાંથી 27 બોરી નિમકોટેડ યુરિયા ખાતરની જપ્ત કરી હતી. ત્યારબાદ પુછપરછ દરમિયાન આ યુરિયા ખાતરનો જથ્થો ગઢશીશાના જે યુરીયા ખાતરના ડેપોના સંચાલક છે તે નિકુંઝભાઇ ઓઝાએ મોકલ્યો હોવાનું ખુલ્યું હતું. હવે આ ખાતરના સેમ્પલના પૃથ્થકરણ બાદ આ જથ્થો નિમકોટેડ યુરીયાનો જ હોવાનું બહાર આવતાં અંતે ખેતીવાડી અધિકારીએ બે જણા વિરુધ્ધ અંજાર પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. આ બાબતે પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.