અમરેલી
અમરેલીના જાફરાબાદમાં 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો, ક્ષત-વિક્ષત હાલતમાં મળ્યા માસૂમના અવશેષ
અમરેલીમાંથી અવાર નવાર સિંહ અને દીપડાનો આતંક જોવા મળે છે. ત્યારે અમરેલીના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં ખેત મજૂરી કરતા પરિવારના 5 વર્ષના બાળકને સિંહણે ફાડી ખાધો છે. બાળકનો શિકાર કરતાં ગ્રામજનોમાં રોષ સાથે ફફડાટ વ્યાપી ગયો છે.
સિંહણના આ હુમલા અંગે મળતી વિગતો મુજબ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નવી જીકાદરી ગામમાં ગઈ કાલે સાંજના સમયે રામકુભાઈ ધાખડાની વાડીમાં લાલજીભાઈ જોળિયાનો પરિવાર કપાસ વીણતો હતો અને બે બાળકો બાજુમાં રમતાં હતાં. આ દરમિયાન અહીં અચનાક એક સિંહણ આવી ચડી અને બે બાળકોમાંથી પાંચ વર્ષીય આરુષ લાલજીભાઈ જોળિયાને ઉઠાવી દૂર લઈ ગઈ હતી. સિંહણ બાળકને ઢસડીને દૂર લઈ ગઈ હતી, ત્યાં તેણે બાળકનો શિકાર કર્યો હતો.
પાંચ વર્ષીય બાળકને સિંહણ જડબામાં પકડીને દૂર ઢસડી જતાં સાથે રમતા અન્ય બાળકે ચીસાચીસ કરતાં કપાસ વીણતા પરિવારને જાણ થઇ હતી. જેથી તેમણે તુરંત શોધખોળ શરુ કરી હતી. જોકે, સિંહણ બાળકને કપાસના પાકમાં લઇને ગાયબ થઇ ગઇ હતી. જેથી લાલજીભાઈ જોળિયાએ તરત વાડી માલિક અને ગ્રામજનોને જાણ કરતાં ગ્રામજનો એકઠા થઇ ગયા હતા.
ત્યારબાદ ગ્રામજનોએ આ સમગ્ર ઘટના જાફરાબાદ રેન્જ વન વિભાગને જાણ કરતા વનવિભાગના આર.એફ.ઓ. સહિત ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકની શોધખોળ હાથ ધરી હતી. વનવિભાગની ટીમ અને ગ્રામજનોએ બે ત્રણ કલાક શોધખોળ કર્યા બાદ મોડી રાતે બાળકોના માત્ર અવશેષો જ મળ્યા હતા. વનવિભાગે બાળકના અવશેષો એકત્ર કરી જાફરાબાદ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
આ સમગ્ર ઘટનાની જાણ શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ જયન પટેલને થતાં તેમણે સિંહણ તાત્કાલિક પાંજરે પૂરવા માટે સૂચનાઓ આપવામાં આવી હતી. જેને લઇને વનવિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા ડોક્ટરની ટીમ સાથે મોડી રાતે સિંહણને પકડીને પાંજરે પૂરવા માટે સ્કેનિંગ શરૂ કરવામાં આવ્યું છે.