ગૃહ વિભાગનો મહત્વનો નિર્ણય: 6 ડીવાયએસપી અધિકારીઓને એસપી કેડરમાં બઢતી અપાઇ

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને વય નિવૃત્તિના આખરી દિવસે મળ્યું પ્રમોશનનું વિશેષ સન્માન ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ સેવામાં ફરજ બજાવતા વર્ગ-1…

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલને વય નિવૃત્તિના આખરી દિવસે મળ્યું પ્રમોશનનું વિશેષ સન્માન

ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા રાજ્ય પોલીસ સેવામાં ફરજ બજાવતા વર્ગ-1 ના 6 નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) કક્ષાના અધિકારીઓને પોલીસ અધિક્ષક (એસપી) વર્ગ-1 ની એક્સ-કેડર જગ્યાઓ પર ઇન-સિચ્યુ (In-situ) ધોરણે બઢતી સાથે એડહોક નિમણૂક આપવાનો એક મહત્ત્વપૂર્ણ આદેશ કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગના સંયુક્ત સચિવ કે. કે. પટેલ દ્વારા રાજ્યપાલશ્રીના હુકમથી 30 સપ્ટેમ્બર 2026ના રોજ આ અંગેની સત્તાવાર અધિસૂચના બહાર પાડવામાં આવી છે. આ બઢતી આદેશ અંતર્ગત વિવિધ શહેરો અને વિભાગોમાં કાર્યરત ઉચ્ચ પોલીસ અધિકારીઓનો હોદ્દો અપગ્રેડ કરવામાં આવ્યો છે.

જેમાં અમદાવાદ શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) બી.એ. પટેલને નાયબ પોલીસ કમિશ્નર (ક્રાઈમ) તરીકે તથા સુરત શહેરના મદદનીશ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) એમ.એસ. શેખને નાયબ પોલીસ કમિશ્નર (ટ્રાફિક) તરીકે બઢતી અપાઈ છે. આ ઉપરાંત વલસાડના વિભાગીય પોલીસ અધિકારી શ્રી એ.કે. વર્માને વલસાડ વિભાગના પોલીસ અધિક્ષક, સુરત આઈ.બી.ના ડીવાયએસપી બી.એસ. મોરીને આઈ.બી.ના એસપી અને ગાંધીનગર ડીજીપી કચેરીના એસ.સી./એસ.ટી. સેલના ડીવાયએસપી ડી.પી. ચુડાસમાને પણ એસપી તરીકે બઢતી આપવામાં આવી છે. જ્યારે વિરમગામ એસઆરપીએફ જૂથ-20 ના મદદનીશ સેનાપતિ બી.આર. ચૌબેને સેનાપતિ (મ.સે.) તરીકે નિયુક્ત કરાયા છે.

ગૃહ વિભાગની આ આદેશ પત્રિકામાં બી.આર. ચૌબે માટે ખાસ જોગવાઈ કરીને તેમના જૂનિયર અધિકારી પી.વી. રાવલની જગ્યા પર એસ.પી.એસ. (નોન-કેડર) ની બઢતી સંદર્ભે 04 જૂન 2026ની સંભાવ્ય તારીખનો સીનિયોરિટી લાભ આપવામાં આવ્યો છે. સરકારી નિયમો અનુસાર, આ અપગ્રેડ કરેલી જગ્યાઓ પર નિયમિત પોલીસ અધિક્ષક વર્ગ-1 ની નિમણૂક થતાં જ તે જગ્યાઓ પુન: મૂળ પગારધોરણમાં ડાઉનગ્રેડ થશે. બઢતી મેળવનારા તમામ અધિકારીઓની મૂળ ફરજો અને વર્તમાન જવાબદારીઓ યથાવત રાખવામાં આવી છે.