રાજકોટ સહિત રાજ્યભરમાં નબળા પ્રતિસાદ સામે સરકાર લાચાર: રાજકોટમાં 15233 અરજીમાંથી હજુ સુધી માત્ર 5428 જ થઇ છે મંજૂર
રાજકોટમાં ઇમ્પેક્ટ ફી યોજના હેઠળ ગેરકાયદે બાંધકામોને નિયમિત કરવાની પ્રક્રિયાની અંતિમ મુદત ગઇકાલે તા.16મીએ પૂર્ણ થઈ હતી. પરંતુ હજુ પણ રાજ્યભરમાં હજારો અરજીનો કોઇ નિવેડો આવ્યો ન હોય સરકારે સાતમી વખત વધુ છ માસ માટે મુદત વધારી છે.
ઇમ્પેક્ટ યોજના ઓક્ટોબર-2022થી અમલમાં આવેલી આ યોજનાની મુદત છ-છ વખત વધારવામા આવી હોવા છતા નબળો પ્રતિસાદ મળ્યો છે. રાજકોટી જ વાત કરીએ તો કુલ 15,323 અરજીઓ પ્રાપ્ત થઈ હતી, જેમાંથી 5,428 અરજીઓને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 3,356 અરજીઓ નામંજૂર કરવામાં આવી છે. બાકીની અરજીઓ વિવિધ તબક્કે પ્રક્રિયા હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.
નોંધનીય છે કે અરજદારોને વધુ તક મળે તે માટે યોજનાની મુદત કુલ 6 વખત લંબાવવામાં આવી હતી.
તેમ છતાં હજુ પણ અનેક મિલકતધારકો નિયમિતીકરણની પ્રક્રિયાથી વંચિત રહ્યા છે. સરકારને ફરી એકવખત સાતમી વાર મુદત લંબાવવાની ફરજ પડી છે. વધુ છ માટે મુદતમાં વધારો કરવામા આવ્યો હોવાનો પરિપત્ર ગઇકાલે રાત્રે સરકારે જારી કર્યો હતો.
ઔદ્યોગિક-કોમર્શિયલ બિલ્ડિંગના ચાર્જિસ તોતીંગ હોવાથી મિલકતધારકોને રસ નથી
ઇમ્પેક્ટ ફી હેઠળ રહેણાંક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂૂ. 5,000થી રૂૂ. 7,500 સુધીના સ્લેબ મુજબ ચાર્જ નક્કી કરવામાં આવ્યા હતા. જ્યારે કોમર્શિયલ અને ઔદ્યોગિક મિલકતો માટે પ્રતિ ચોરસ મીટર રૂૂ. 10,000થી રૂૂ. 20,000 સુધીનો ચાર્જ વસૂલવામાં આવે છે. ખાસ કરીને બિન-રહેણાંક મિલકતો માટેના ઊંચા ચાર્જને લઈને અરજદારો અને વેપારીઓમાં અસંતોષ જોવા મળ્યો હતો. અનેક લોકોએ ચાર્જમાં રાહત આપવાની માંગણી પણ કરી હતી. હવે જોવાનું એ રહ્યુ કે, ઔદ્યોગિક-કોમર્શિયલ બિલ્ડીંગના ચાર્જીસમાં રાહતલક્ષી ફેરફાર કરવામા આવે છે કે નહીં.
