આંતરરાષ્ટ્રીય
હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર, યુધ્ધનો અંત લાવવા પણ સંકેત આપતા પુતિન
ડોનાલ્ડ ટ્રમ્પને બહાદુર માણસ ગણાવ્યા
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટ્રમ્પની જીતના બીજા દિવસે 47માં રાષ્ટ્રપતિ તરીકે અમેરિકાની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. અમેરિકાની ચૂંટણીના પરિણામો અંગે પહેલી પ્રતિક્રિયા આપતાં રશિયન પ્રમુખે કહ્યું કે હું ટ્રમ્પ સાથે વાતચીત કરવા માટે તૈયાર છું. અમેરિકા-રશિયાના સંબંધો ફરી મજબૂત થવા જોઈએ અને આ દરમિયાન પુતિને યુક્રેનમાં યુદ્ધ સમાપ્ત કરવાની દિશામાં કામ કરવાની જરૂૂરિયાત પર ભાર મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે હાલમાં અમેરિકા અને રશિયા એમ બંને દેશો વચ્ચેના સંબંધોમાં ભારે ખટાશ છે.
ખાસ કરીને યુક્રેન માટે અમેરિકાના સમર્થનને કારણે રશિયા વધારે ખિજાય છે. પુતિને કહ્યું કે કે રશિયા અમેરિકા સાથે સંબંધો સુધારવા માટે તૈયાર છે, પરંતુ હવે અમેરિકાના હાથમાં છે કે તે શું ઈચ્છે છે. સોચીના બ્લેક સી રિસોર્ટમાં ભાષણ આપ્યા બાદ એક આંતરરાષ્ટ્રીય મંચ પર પુતિને કહ્યું, હું તેમને (ટ્રમ્પ)ને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટવા બદલ અભિનંદન આપું છું.
ટ્રમ્પે રશિયા સાથે સંબંધો પુન:સ્થાપિત કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે અને યુક્રેનિયન સંકટને સમાપ્ત કરવામાં મદદ કરવાની વાત પણ કરી છે. બીજી વખત ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ બનવાથી તમને શું અપેક્ષા રાખે છે તેના જવાબમાં પુતિને કહ્યું, મને ખબર નથી કે હવે શું થશે. મને કોઈ ખ્યાલ નથી. આ તેમનો છેલ્લો રાષ્ટ્રપતિ કાર્યકાળ હશે. તેઓ શું કરશે તે નક્કી નથી.
રશિયન પ્રમુખે એમ પણ કહ્યું હતું કે જુલાઇમાં થયેલી હત્યાના પ્રયાસ બાદ ટ્રમ્પે જે રીતે પોતાની જાતને સંભાળી તેનાથી હું પ્રભાવિત થયો હતો. તે ખરેખર એક બહાદુર માણસ છે. હું ટ્રમ્પ સાથે વાત કરવા તૈયાર…, પુતિને મુક્ત મને કરી વાત, યુદ્ધનો અંત લાવવા સંકેત પણ આપ્યાં!