ઉપલેટા શહેરમાં લોકોના આરોગ્ય અને પર્યાવરણ સાથે ગંભીર ચેડાં થતા હોવાની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. શહેરની નગરપાલિકાની હાલની કચરાની ડમ્પિંગ સાઈટ તેમજ મેઘવાળ સમાજ તરફ જવાના રસ્તા પર અને અન્ય ત્રણથી ચાર અલગ-અલગ જાહેર જગ્યાઓ પર મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ અને એક્સપાયરી દવાઓનો જથ્થો ગેરકાયદેસર રીતે ફેંકવામાં આવેલ છે.
આ કચરામાં વપરાયેલી સિરીંજ, લોહીવાળું રૂૂ, પાટાપિંડીનો સામાન, પ્લાસ્ટિકની બોટલો, અને અન્ય મેડિકલ સાધનોનો સમાવેશ થાય છે. નિયમ મુજબ આવા કચરાનો ઇન્સિનેટરમાં નાશ થવો જોઈએ, તેના બદલે તેને જાહેરમાં ફેંકી દેવામાં આવ્યો છે. આ સમગ્ર પ્રકરણમાં મોટો ગોલમાલ અને ગડબડ ગોટાળો થતો હોવાનું તારણ કાઢવામાં આવી રહ્યું છે, કારણ કે આ મેડિકલ કચરાના કલેક્શન અને નિકાલમાં નગરપાલિકાના જ વાહનોનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવી છે. આટલા મોટા પાયે મેડિકલ વેસ્ટ ફેંકાતો હોય ત્યારે સ્થાનિક તંત્ર અજાણ હોય તે વાત નકારી શકાય તેમ નથી. સ્થાનિક જવાબદાર તંત્ર પોતાની ખામીઓ છુપાવવા આ જથ્થો અને પુરાવાઓ રાતોરાત સગેવગે કરી નાખે તેવી પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.
આ પ્રકારની ચીજવસ્તુઓ કોણ કલેક્શન કરી ગયું અને કોણ જાહેરમાં નાખી ગયું તે એક ગંભીર તપાસનો વિષય છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય વિભાગ અને પર્યાવરણ વિભાગ સહિતના સંબંધિત વિભાગોમાં એકત્રિત કરેલા આધાર-પુરાવાઓ સાથે ફરિયાદ કરવામાં આવી છે. લોકોના જીવ જોખમમાં મુકતા આ કૌભાંડની તટસ્થ તપાસ થાય તેવી માંગ ઊઠી છે.
