ક્રાઇમ
ચાઇલ્ડ પોર્નોગ્રાફી સર્ચ કે શેર કરશો તો થશે પાંચ વર્ષની જેલ!: બે શખ્સો સામે નોંધાતો ગુનો
એક શખ્સના મોબાઇલમાંથી 479 ફોટો અને 164 વીડિયો મળી આવ્યા
આઇટી એકટની કલમ 67 (બી) મુજબ ગુનો નોંધાયો, સકંજામાં લેવા તજવીજ
જો તમારા ફોનમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીથી સંબંધિત વીડિયો કે ફોટોઝ મળી જશે તો ભારે મુસીબતમાં પડી જશો.તેવા વીડિયો મળી આવતા તમારા સામે ગુનો બની શકે છે.ત્યારે રાજકોટ શહેર સાયબર ક્રાઈમ પોલીસ મથક દ્વારા બે શખ્સો સામે ચાઈલ્ડ પોર્નોગ્રાફી અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ,ન્યુ બેડીપરા સીતારામ રોડ પર રહેતા અજય ભગુભાઈ ટોયટા (ભરવાડ) ના મોબાઇલમાં વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને વેબસાઈટ મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફી ફોટાઓ અપલોડ અને શેર કરવામાં આવ્યા હતા.આ અંગે મોબાઈલ એફએસએલમાં મોકલતા તેમાંથી 479 અશલીલ ઇમેજ અને 164 વીડિયો મળી આવ્યા હતા.જેથી તેમની સામે આઇટી એકટની કલમ 67બી હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.જ્યારે બીજા બનાવમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ ઇગલ ટ્રાવેલ્સ વાળી શેરીમાં રહેતા મયુર જગદીશ શિરોયા(ઉ.25)ના મોબાઈલમાંથી સોશિયલ મીડિયા મારફતે ચાઈલ્ડ પોર્નોગ્રાફીને લાગતા ફોટોઝ શેર કરવામાં આવ્યા હોય જેથી મોબાઈલ એફએસએલમાં મોકલતાં તેમના મોબાઈલમાંથી 36 અશ્ર્લીલ ઇમેજ મળી આવતા તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કામગીરી સાયબર પોલીસ મથકના પીઆઇ આર.જી.પઢીયાર,પીઆઇ બી.બી.જાડેજા અને એએસઆઈ જે.કે.જાડેજા અને સ્ટાફે કરી હતી.
આઇટી એક્ટની કલમ 67(બી) હેઠળ બીજી વખત ગુનો નોંધાશે તો સાત વર્ષની સજા
આઇટી એક્ટની કલમ 67(બી) માં યોગ્ય સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જે ઇલેક્ટ્રોનિક માધ્યમમાં બાળકોને લગતા અશ્ર્લીલ કૃત્ય દર્શાવતી સામગ્રી મળી આવે અને આ સામગ્રી એટલે કે ફોટા અને વિડિયોઝ શેર કરવા કે ઓનલાઈન વેબસાઈટ પર સર્ચ કરવામાં આવે તો આ ગુના ને પાત્ર છે.કલમ 67બી માત્ર બાળ પોર્નોગ્રાફિક સામગ્રીના ઈલેક્ટ્રોનિક પ્રસારને જ નહીં પરંતુ આવી સામગ્રીની બનાવટ કે પ્રચાર અને વપરાશ માટે પણ સજાને પાત્ર ઠેરવવામાં આવે છે.આ કલમ હેઠળ પ્રથમ વાર ગુનો સાબિત થાય તો પાંચ વર્ષ સુધીની સજા અને 10 લાખના દંડને પાત્ર છે. આ કલમ હેઠળ બીજી વખત ગુનો આચરવામાં આવેતો આરોપી વિરૂદ્ધ સાત વર્ષની સજા અને 10લાખ સુધીના દંડની જોગવાઇ કરવામાં આવી છે.