સાયબર સેલ-નાર્કોટીક્સમાં કોન્ટ્રાક્ટ ભરતી કરશો તો ડેટા ચોરાઇ ન જાય તેનું ધ્યાન રાખજો

અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તાકાત અને ભરતીને લઈને મોટી ચેતવણી આપી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો…

અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટે પોલીસની તાકાત અને ભરતીને લઈને મોટી ચેતવણી આપી છે. ચીફ જસ્ટિસ સુનીતા અગરવાલ અને જસ્ટિસ ડી.એન. રેની બેન્ચ સમક્ષ ચાલી રહેલી સુઓમોટો પિટિશનની સુનાવણીમાં રાજ્ય સરકારે જણાવ્યું કે 2109 નવી કોન્સ્ટેબલ પોસ્ટનું સર્જન કરવામાં આવ્યું છે. છેલ્લા 45 દિવસમાં 850 પોસ્ટ પ્રમોશનથી ભરાઈ ચૂકી છે અને બાકીની આશરે 800 પોસ્ટ પણ પ્રમોશનલ ભરતીથી ભરવામાં આવશે. કુલ 13,676 વેકેન્સી પહેલેથી ભરાઈ ચૂકી છે. સાથે જ પ્રોસિક્યુશન અને ક્રાઈમ સેલ માટે 32 પોસ્ટ કોન્ટ્રાક્ટ આધારે ભરવાની તૈયારી છે. કોન્સ્ટેબલ પરીક્ષા પહેલાં 21 જૂને યોજાવાની હતી, પરંતુ NEET સાથે ક્લેશ થતાં હવે 23 ઓગસ્ટે યોજાશે.

સૌથી મોટી વાત એ છે કે સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ વિભાગમાં ઉચ્ચ લાયકાત ધરાવતા નિષ્ણાતોની જરૂૂરિયાતને ધ્યાનમાં રાખીને કોન્ટ્રાક્ટ આધારે ભરતી કરવાનો નિર્ણય લેવાયો છે. આ કર્મચારીઓ ગુનાની તપાસ કરશે, જ્યારે કાનૂની કાર્યવાહી પોલીસ પોતે જ કરશે. છેલ્લા વર્ષના બજેટમાં સ્ટેટ લેવલે સાયબર સેલ શરૂૂ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ કડક શરતો મૂકવામાં આવી હતી. સારું કામ કરનારા કોન્ટ્રાક્ટ કર્મચારીઓને રેગ્યુલરાઈઝ કરવાની વ્યવસ્થા પણ છે. ટ્રાફિક પોલીસની લાંબા ગાળાની ભરતી માટે SVNIT દ્વારા અભ્યાસ પણ ચાલી રહ્યો છે.

પરંતુ હાઈકોર્ટે આ કોન્ટ્રાક્ટ ભરતી અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપી કે સાયબર ક્રાઈમ અને નાર્કોટિક્સ જેવા સંવેદનશીલ વિભાગોમાં કોન્ટ્રાક્ટમાં કડક શરતો નક્કી નહીં કરવામાં આવે તો ડેટા સુરક્ષાનો મોટો ભય રહેશે. આગામી સુનાવણી 11 સપ્ટેમ્બરે યોજાશે. આ સુઓમોટો પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશોના આધારે દાખલ કરવામાં આવી હતી, જેમાં પોલીસ રિડ્રેસલ સિસ્ટમ, ખાલી જગ્યાઓ ભરવી, તાલીમ, વસ્તીના પ્રમાણમાં ભરતી, કામના કલાકો નિયંત્રિત કરવા અને તોફાનો વખતે જાહેર મિલકતોને નુકસાન અટકાવવા જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.