સરકાર ખેડૂતોની માંગ નહીં સ્વીકારે તો હું પણ ઉપવાસ ઉપર બેસી જઈશ : હકાભા ગઢવી

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન ગત રવિવારે હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરાએ આંદોલનને બળ પૂરું પાડયુ છે. આ સફળ ડાયરા બાદ હકાભા…

મોરબીના જેતપર ગામે ખેડૂત આંદોલન દરમિયાન ગત રવિવારે હકાભા ગઢવીનો લોકડાયરો યોજાયો હતો. આ ડાયરાએ આંદોલનને બળ પૂરું પાડયુ છે. આ સફળ ડાયરા બાદ હકાભા ગઢવી બીજી વાર જેતપરની મુલાકાતે આવ્યા હતા. તેઓએ એલાન કર્યું છે કે તેઓ પણ કમિટી સાથે ગાંધીનગર જશે. જો સરકાર માંગ નહીં સ્વીકારે તો તેઓ પણ ઉપવાસ ઉપર બેસી જશે.

વીજલાઈન નાખવાના વિરોધમાં જેતપર ખાતે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલન દરમિયાન આજે રક્તદાન કેમ્પ યોજવામાં આવી રહ્યો છે. આ કેમ્પની આજે લોકસાહિત્યકાર હકાભા ગઢવીએ મુલાકાત લીધી હતી. આ વેળાએ તેમણે ખેડૂતોને સંબોધન કરતા આગામી રણનીતિ અંગે મહત્વની જાહેરાત કરી છે. હકાભા ગઢવીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની માંગણીઓ અંગે સરકાર સમક્ષ રજૂઆત ક2વા માટે જે કમિટી ગાંધીનગર જશે. તેની સાથે તેઓ પોતે પણ સરકાર પાસે જશે અને ખેડૂતોનો પક્ષ રજૂ કરશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે સરકાર ખેડૂતોની ન્યાયિક માંગણીઓ પૂરી કરશે અને આ મુદ્દાનો વહેલી તકે સુખદ ઉકેલ આવશે.

વધુમાં તેમણે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે, જો ગાંધીનગર ગયા બાદ સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે, તો તેઓ પોતે પણ ખેડૂતોની સાથે ફરીથી ઉપવાસ પર બેસી જશે અને આ લડતને આગળ ધપાવશે. અંતમાં હકાભાએ આશા વ્યક્ત કરી હતી કે સરકાર ખેડૂતોનું હિત ઈચ્છતી હોય તો તમામ માંગણીઓ સંતોષવી જ પડશે અને ખેડૂતોને ન્યાય આપવો જ પડશે.

આ ખેડૂત આંદોલનને માત્ર મોરબી જ નહીં પરંતુ આસપાસના અન્ય તાલુકા અને જિલ્લાઓમાંથી પણ ભારે સમર્થન મળી રહ્યું છે. ટંકારા તાલુકાની ધૂનડા (ખા) ગ્રામ પંચાયતના સરપંચ એ.જે. કાસુન્દ્રાએ પત્ર લખી જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી ખાનગી કંપનીના ફાયદા માટે ખેડૂતોની મંજૂરી વિના વીજ લાઈન નાખી ખેડૂતોની કિંમતી જમીન બગાડવામાં આવી રહી છે, જેની સામે ચાલી રહેલા જેતપર ગામના આંદોલનને પંચાયતનું સંપૂર્ણ સમર્થન છે. જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની ભાદરા ગ્રામ પંચાયતના સરપંચ ભાડેરી મહેશભાઈ દ્વારા જેતપર ખાતે ચાલતા બિનરાજકીય આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કરાયો છે. આ જ રીતે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાની હરીપર ગ્રામ પંચાયત દ્વારા જેતપર ખાતે ચાલતા વીજલાઈનના વિરોધ પ્રદર્શનને સંપૂર્ણ સમર્થન જાહેર કરાયું છે.

હળવદ તાલુકાની શ્રીજીનગર (નવા વેગડવાવ) ગ્રામ પંચાયતના સરપંચ કણઝારીયા ધનજીભાઈ બાવલભાઈએ પણ ઉપવાસ આંદોલનને પંચાયત વતી સત્તાવાર ટેકો આપ્યો છે. આ ઉપરાંત, માળિયા-મિયાણા તાલુકાની લક્ષ્મીવાસ સેવા સહકારી મંડળીના પ્રમુખ અને રાજકોટ જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર પ્રાણજીવન ભવાનભાઈ કાવર, તમામ વ્યવસ્થાપક કમિટીના સભ્યો અને લક્ષ્મીવાસ ગામના ભાઈઓ-બહેનોએ પણ જેતપર ગામમાં ચાલતા ખેડૂત આંદોલનને પોતાનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે.

શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ આપ્યું સમર્થન
જેતપર ખાતે વીજલાઈનના વળતરને લઈને ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવામાં આવી રહ્યું છે. જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે. ત્યારે આજે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપર ખાતે ઉપવાસ છાવણીમાં હાજરી આપી ખેડૂત આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. આજે શ્રી ઉમિયા નવરાત્રી મહોત્સવના સભ્યોએ જેતપરમાં આંદોલન ચલાવી રહેલા ખેડૂતોની રૂબરૂ મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન સભ્યોએ ખેડૂતોની સાથે રહીને વાતચીત કરી હતી અને તેમની લડતને મજબૂત આશ્વાસન આપ્યું હતું. સભ્યોએ જણાવ્યું હતું કે, તેઓ સંપૂર્ણપણે ખેડૂતોની સાથે છે અને તેમના આંદોલનને મોરબીના આ સંગઠનનું પૂરેપૂરું સમર્થન છે. ખેડૂતોના હિત માટે તેઓ હંમેશા ખભેખભા મિલાવીને ઊભા રહેશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી.

માળિયા ભાજપના ઉપપ્રમુખને બે મહિના પહેલા જ પક્ષે સસ્પેન્ડ કર્યા હતા !
માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ ભાવિકકુમાર મિતેશભાઈ કાવરે જેતપર ગામે ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં રાજીનામું આપ્યું છે. જો કે આ મામલે જિલ્લા ભાજપ પ્રમુખે એવું જાહેર કર્યું છે કે તેમને પાર્ટીએ 2 મહિના પહેલા જ પક્ષ વિરોધી પ્રવૃતિના કારણે સસ્પેન્ડ કરી દીધા હતા. આજે ભાવિકકુમાર કાવરે મીડિયા સમક્ષ એવું જણાવ્યું હતું કે, જેતપર ગામે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે અને ખેડૂતોની આ માંગણીઓ તદ્દન વ્યાજબી છે. ખેડૂતોની વર્તમાન સ્થિતિ જોઈને તેમને વ્યક્તિગત રીતે અત્યંત દુ:ખ અને લાગણી થઈ છે, જેના કારણે તેઓ માળિયા તાલુકા ભાજપના ઉપપ્રમુખ સહિત ભાજપ પક્ષના તમામ હોદ્દાઓ પરથી સ્વેચ્છાએ રાજીનામું આપી રહ્યા છે. જો કે આ પ્રકરણમાં જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયાએ જણાવ્યું કે તેઓને એપ્રિલ મહિનામાં સ્થાનિક ચૂંટણીઓમાં પક્ષ વિરોધી પ્રવૃતિ બદલ સસ્પેન્ડ કરવાની નોટિસ આપવામાં આવી હતી. અને ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સિરામિક એસો.ના ત્રણ પ્રમુખોએ આપી હાજરી
જેતપર ગામે ખેડૂતો દ્વારા વીજલાઈનના વળતર મુદ્દે આમરણાંત ઉપવાસ આંદોલન શરૂ છે. જેમાં આજે ખેડુતોએ વિરોધમાં પણ એક અનોખો અને પ્રશંસનીય માર્ગ અપનાવ્યો છે. ખેડૂતો દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એક જ દિવસમાં 5000થી વધુ બોટલ રક્ત એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો હતો જેમાં 2500 થી વધુ બોટલ એકત્રિત થઈ હતી. આ ભગીરથ કાર્યને પ્રોત્સાહન આપવા માટે મોરબી સિરામિક એસોસિએશનના ત્રણ પ્રમુખોએ કેમ્પની મુલાકાત લીધી હતી.