ગુજરાત
કૃષિ રાહત પેકેજ આવકાર્ય પણ સમયસર ચૂકવાય તો ખેડૂતોને શિયાળુ પાકમાં કામ આવે
આમ આદમી પાર્ટીના આગેવાનોએ બળદગાડી સાથે કલેકટર કચેરીએ પહોંચી આપ્યું આવેદન: પેકેજ જેવું લોલીપોપ નહીં, ખરેખર સહાય આપવા માંગ
આમ આદમી પાર્ટીના આગેવાનો, કાર્યકરોએ આજે જિલ્લા પંચાયતથી બળદગાડા સાથે રેલી યોજી કલેકટર કચેરીએ પહોંચી પેકેજ જેવી લોલીપોપ નહીં પણ સહાય અપાવવા આવેદન આપ્યુ હતું.
આમ આદમી પાર્ટીના યુથ વિંગ અધ્યક્ષ પિયુષભાઇ ભંડેરી અને આપના વોર્ડ 12ના પ્રમુખ પિયુષભાઇ પાંભર સહીતનાન મોટી સંખ્યામાં આગેવાનો કાર્યકરો જિલ્લા પંચાયત ચોકમાં એકઠા થયા હતા અને પેકેજ નામનું લોલીપોપ નહીં ખરેખર સહાય આપો, લીલો દુષ્કાળ જાહેર કરો વિગેરે માંગ દર્શાવતા પોષ્ટર બેનરો સાથે બળદગાડુ લઇને સુત્રોચ્ચાર કરતા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા.
આવેદનપત્રમાં આપના આગેવાનોએ જણાવ્યું છે કે કૃષિ રાહત પેકેજ જાહેર કરાયું તે આવકાર્ય છે. પણ આવું પેકેજ લોલીપોપ બનાવવાને બદલે જો સમયસર ચુકવાય તો શિયાળુ પાકના વાવેતરમાં ખેડૂતોને સહાય ભારે રાહતરૂપ બને તેમ છે.આ ઉપરાંત કૃષિલોનો માંડવાળ કરવા અને ખાતર, બિયારણ દવામાં 50 ટકા સબસીડી જાહેર કરવા પણ માંગણી કરાઇ છે.