‘આતંકવાદીઓને આશ્રય આપશે તો ઈતિહાસમાંથી ભૂંસાઈ જશે…’ આર્મી ચીફે પાકિસ્તાનને આપી ચેતવણી

    ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ખૂબ જ કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું…

 

 

ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ પાકિસ્તાનને ખૂબ જ કડક અને સ્પષ્ટ ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવાનું અને ભારત વિરુદ્ધ કાર્યવાહી કરવાનું ચાલુ રાખશે, તો તેણે પોતે જ નક્કી કરવું પડશે કે તે ભૂગોળ અને ઈતિહાસનો હિસ્સો બની રહેવા માગે છે કે નહીં. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે રાષ્ટ્ર ‘ઓપરેશન સિંદૂર’ ની પ્રથમ વર્ષગાંઠ મનાવી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત ‘સેના સંવાદ’ કાર્યક્રમ દરમિયાન ભારતીય સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ આ નિવેદન આપ્યું છે. આર્મી ચીફ જનરલે ભારપૂર્વક જણાવ્યું હતું કે પાકિસ્તાને તેની નીતિઓ બદલવી જોઈએ.

આ નિવેદન સ્પષ્ટ હતું. આર્મી ચીફે વધુમાં જાહેર કર્યું કે જો ગયા વર્ષના ઓપરેશન સિંદૂર જેવી પરિસ્થિતિ ફરીથી ઊભી થાય, તો ભારતીય સેના તેનાથી પણ વધુ શક્તિથી જવાબ આપશે આ સંદેશ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપે છે કે ભારત આતંકવાદને સહન કરશે નહીં.

સેના પ્રમુખે પોતાના સંબોધનમાં સાફ સંકેત આપ્યા છે કે ભારત હવે આતંકવાદના મુદ્દે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવાના મૂડમાં નથી. તેમણે ચેતવણી આપતા કહ્યું કે, જો પાડોશી દેશ આતંકવાદી માળખાને સમર્થન આપવાનું ચાલુ રાખશે, તો તેના ગંભીર પરિણામો આવી શકે છે. જો કે તેમણે સીધી રીતે કોઈ સૈન્ય કાર્યવાહીનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ તેમના આ નિવેદનને પાકિસ્તાન માટે એક કડક વ્યૂહનીતિ ધરાવતો સંદેશ માનવામાં આવી રહ્યો છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, ભારતીય આર્મી ચીફનું આ નિવેદન ભારતની રાષ્ટ્રીય સુરક્ષા નીતિ અને આતંકવાદ સામેના ‘ઝીરો ટોલરન્સ’ વલણને ફરીથી દોહરાવે છે. હવે ભારતીય સેના પ્રમુખના આ આકરા પ્રહાર બાદ ભારત-પાકિસ્તાન સંબંધો અને પ્રાદેશિક સુરક્ષા સમીકરણો પર ફરી એકવાર નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

ભારતે ગયા વર્ષે 7 મેના રોજ પહેલગામમાં થયેલા ઘાતક આતંકવાદી હુમલાના જવાબમાં ઓપરેશન સિંદૂર શરૂ કર્યું હતું. ભારતીય સેનાએ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK)માં સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર સચોટ હુમલા કર્યા. આ હુમલાઓ દરમિયાન અનેક આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરવામાં આવ્યો.

પાકિસ્તાને પણ ભારત સામે હુમલા શરૂ કર્યા; જોકે, ભારતીય સેનાએ દરેક હુમલાનો જબરદસ્ત વળતો જવાબ આપ્યો. બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ લગભગ 88 કલાક સુધી ચાલ્યો. બંને પક્ષો વચ્ચે થયેલા કરાર બાદ 10 મેની સાંજે દુશ્મનાવટ બંધ થઈ ગઈ. ઓપરેશન સિંદૂરને વ્યાપકપણે ભારતની આતંકવાદ વિરોધી નીતિનો એક શક્તિશાળી પુરાવો માનવામાં આવે છે.