આજે દુષ્કાળ જાહેર નહીં કરાય તો આંદોલનના બીજા તબક્કાની જાહેરાત

ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન…

ખંભાળિયાના પાદરમાં ખેડૂત નેતા ઈસુદાન ગઢવી છેલ્લા ચાર દિવસથી અનિશ્ચિતકાળના ધારણા પર બેઠા છે. આ ધારણાનો મંગળવારે ચોથો દિવસ હતો. મુખ્ય ચાર માંગો સાથે ઈસુદાન ગઢવી ધરણા પર બેઠા હતા અને એમની સાથે સાથે હજારોથી વધુ ખેડૂતો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને તેમને સમર્થન આપ્યું હતું. હાલ સરકારે બે જિલ્લામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે.

આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની સાથ પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય હેમંત ખવા, કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી, પ્રદેશ સંગઠન મંત્રી રાજુ બોરખતરીયા અને મહિલા નેતા જીગીશા પટેલ સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતો અને આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ તથા કાર્યકર્તાઓએ એકસૂરે સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરી હતી અને અછતગ્રસ્ત વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખંભાળિયા ખાતે આયોજિત ’દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ’ માં જામનગર, દ્વારકા અને પોરબંદર સહિત રાજ્યના અછતગ્રસ્ત વિસ્તારોની ગંભીર પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આજે જ્યારે કુદરત સાથ નથી આપી રહી ત્યારે સરકારે ખેડૂતોની પડખે ઊભા રહેવું જોઈએ, પરંતુ કમનસીબે સરકારે પણ ખેડૂતોને આકાશ અને જમીન વચ્ચે નિરાધાર છોડી દીધા છે. જો આવતીકાલે બુધવારની કેબિનેટ બેઠકમાં રાજ્યને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં નહીં આવે, તો તેઓ બપોરે 2 વાગ્યા પછી આંદોલનના બીજા તબક્કાની જાહેરાત કરશે.

સત્યાગ્રહ છાવણી ખાતે ધારાસભ્ય ગોપાલ ઇટાલીયાએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતને બાદ કરતા લગભગ સમગ્ર ગુજરાતમાં નહિવત અથવા એકદમ ઓછો વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે. ખેડૂતે બિયારણ, ખાતર, પાણી, દવા, મજૂરી બધાનો ખર્ચો કરી નાખ્યો છે હવે જો પાક સુકાઈ જાય તો ગુજરાતભરના ખેડૂતોને કરોડોનું નુકસાન થાય એમ છે, એટલે સરકાર દુષ્કાળ જાહેર કરે અને ખેતી કરનાર લોકોને તથા ભાગ્યાઓને, મજૂરોને સરકાર મદદ કરે તો એક આર્થિક સંકટ ટાળી શકાય એમ છે.

આ સાથે આપના પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયાએ ખેડૂતોને સંબોધન કરતા જણાવ્યું હતું કે જ્યાં સુધી સરકાર સમસ્યાનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી ઉકેલ શક્ય નથી, તેથી જો આપણે એક થઈને લડીશું તો સરકારને ઝૂકવું જ પડશે અને દુષ્કાળ જાહેર કરીને વળતર તેમજ સિંચાઈનું પાણી આપવાની ફરજ પાડવી પડશે. “આપ”ના નેતા પ્રવીણ રામે ખેડૂતોની સભાને સંબોધતા સરકારને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું કે, “અમે ગુજરાતના ખેડૂતો છીએ, અત્યારે શાંતિ અને પ્રેમથી પાણી અને દુષ્કાળ જાહેર કરવાની માંગ કરી રહ્યા છીએ, પરંતુ જો સરકાર નહી માને તો આ આંદોલન થકી નવો ઇતિહાસ લખતા પણ અમને આવડે છે.”