‘કોઈ હેરાન કરે તો બે ચોડી દેવાની, બાકીની જવાબદારી મારી’ જૂનાગઢના ધારાસભ્યનું દીકરીઓને ‘દબંગ’ નિવેદન

જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક અત્યંત આક્રમક અને સનસનાટીપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ક્ધયા શાળાની…

જૂનાગઢમાં શાળા પ્રવેશોત્સવ દરમિયાન દીકરીઓની સુરક્ષા અને આત્મરક્ષણને લઈને જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાનું એક અત્યંત આક્રમક અને સનસનાટીપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. તેમણે ક્ધયા શાળાની દીકરીઓમાં હિંમત અને તાકાત જગાડતા જાહેરમાં મંચ પરથી આહ્વાન કર્યું છે.

મળતી માહિતી મુજબ જૂનાગઢની એન.બી. કાંબલીયા ક્ધયા વિદ્યાલય ખાતે વિશેષ શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દીકરીઓને સંબોધતા ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, “આપણે ઊભા હોઈએ ને તો 5 ફૂટ પછી કોઈ આવે ને તો એને શોર્ટ લાગે, એવો શોર્ટ લાગવો જોઈએ. એવી તાકાત એક-એક દીકરીઓની અંદર હોવી જોઈએ. દીકરી પાસે કોઈ ઊભું રહે ને તો 5 ફૂટથી આગળ કોઈ ના આવી શકે એટલું ડિસ્ટન્સ રાખવું જ જોઈએ.”

ધારાસભ્યે રોડ-રોમિયો અને છેડતી કરનારા તત્વો સામે દીકરીઓને આત્મનિર્ભર બનવા પ્રેરિત કરતાં વધુમાં ઉમેર્યું હતું કે, “બહાર નીકળીએ ને આપણે ગમે ત્યારે, ત્યારે એક વસ્તુ મનમાં રાખવાની કે આપણને નથી ગમતું, એ વસ્તુ આપણી ટેરીટરીની અંદર આવે ને, એટલે ફેરવીને બે મારી જ લેવાની, કોઈના બાપની ચિંતા નહિ કરવાની. એક વખત હિંમત કરી લેશો ને, એટલે તમારી પાસે કોઈ આવતા 100 વાર વિચાર કરશે.”

દીકરીઓની સુરક્ષા માટે ધારાસભ્યે પોતાની સત્તાવાર ઓથ આપતા મંચ પરથી ગર્જના કરી હતી કે, “તમને કોઈ હેરાન કરતું હોય, તો કોઈને કહેવાની જરૂૂર નથી, ત્યાં જ ઊભા રહીને બે મારી લેવાની, ગમે એ ચોક હોય, બાકીની જવાબદારી મારી છે.” તેમણે અંતમાં સ્પષ્ટ કર્યું હતું કે, આપણી મંજૂરી વગર કોઈ પણ વ્યક્તિ પર્સનલ સ્પેસમાં ન આવવો જોઈએ અને દીકરીઓએ પોતાની સુરક્ષા માટે હવે અન્ય કોઈના ભરોસે બેસી રહેવાની બિલકુલ જરૂૂર નથી.