Site icon Gujarat Mirror

યુવતી પુખ્ત વયની હોય તો તેને મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઇ રોકી શકે નહીં: HC

લગ્ન નોંધણીના નિયમોના વિવાદ વચ્ચે હાઇકોર્ટનો ચુકાદો

ગુજરાત વિધાનસભામાં હાલમાં લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ નિયમો બાદ ગુજરાત હાઈકોર્ટે વ્યક્તિગત સ્વાતંત્ર્યને પ્રાધાન્ય આપતો એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ યુવતી પુખ્ત વયની હોય, ત્યારે તેને તેની મરજી મુજબ જીવનસાથી પસંદ કરતા કોઈ રોકી શકતું નથી.

આ કેસની મળતી માહિતી પ્રમાણે, એક યુવતીએ પોતાના પિતાની મરજી વિરુદ્ધ જઈને પ્રેમ લગ્ન કર્યા હતા. પુત્રીના આ નિર્ણયથી નારાજ પિતાએ ગુજરાત હાઈકોર્ટમાં ’હેબિયસ કોર્પસ’ અરજી દાખલ કરી હતી. પિતાનો આક્ષેપ હતો કે તેમની પુત્રીને પરાણે ગોંધી રાખવામાં આવી છે અને તેને લલચાવી-ફોસલાવીને લઈ જવામાં આવી છે.

પિતાની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટે યુવતીની રજૂઆત અને તેની વય મર્યાદાને ધ્યાને લીધી હતી. હાઈકોર્ટે આ મામલે કડક વલણ અપનાવતા મહત્વના મુદ્દાઓ ટાંક્યા હતા. જેમાં કોર્ટે જણાવ્યું કે બંધારણ મુજબ દરેક પુખ્ત નાગરિકને પોતાનો જીવનસાથી પસંદ કરવાની સ્વતંત્રતા છે. યુવતીએ પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનું સ્પષ્ટ થતાં, હાઈકોર્ટે પિતા દ્વારા કરવામાં આવેલી હેબિયસ કોર્પસ અરજીને ફગાવી દીધી હતી. કોર્ટે નોંધ્યું કે પુખ્ત વયની વ્યક્તિ પર તેની પસંદગી બાબતે પિતા કે પરિવાર દબાણ લાવી શકે નહીં. ગુજરાત હાઈકોર્ટે વધુમાં જણાવ્યું છે કે જ્યારે દીકરી પુખ્ત વયની હોય અને તે પોતાની સુરક્ષિતતા અને લગ્ન અંગે સ્પષ્ટતા કરતી હોય, ત્યારે કાયદો તેની પડખે ઊભો રહે છે.

હાલમાં રાજ્યમાં લગ્ન નોંધણી માટે માતા-પિતાની સહી ફરજિયાત કરવા જેવી માંગણીઓ અને નિયમો અંગે ચર્ચાઓ ચાલી રહી છે. તેવા સમયે હાઈકોર્ટનો આ ચુકાદો સ્પષ્ટ કરે છે કે વ્યક્તિગત સ્વતંત્રતા અને બંધારણીય હકો કોઈપણ વહીવટી નિયમો કરતાં ઉપર છે. આ ચુકાદો એવા કિસ્સાઓ માટે ઉદાહરણરૂૂપ બનશે જ્યાં પ્રેમ લગ્ન કરનાર યુગલોને પારિવારિક વિરોધનો સામનો કરવો પડે છે. કોર્ટે ફરી એકવાર સાબિત કર્યું છે કે કાયદાની નજરમાં પુખ્ત વ્યક્તિની સંમતિ જ સર્વોપરી છે.

Exit mobile version