વારંવાર ક્ષમતા સાબિત કરવી પડે તો હું ક્રિકેટ છોડી દઇશ: વિરાટ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ભવિષ્ય અને 2027 વનડે વર્લ્ડ કપમાં રમવાને લઈને ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, ખેલ પ્રત્યે…

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ભવિષ્ય અને 2027 વનડે વર્લ્ડ કપમાં રમવાને લઈને ખુલીને વાત કરી છે. તેણે કહ્યું કે, ખેલ પ્રત્યે તેના સમર્પણ અને ઉત્સાહ છતાં જો તેને પોતાની ક્ષમતા સાબિત કરવા માટે મજબૂર કરવામાં આવે છે, તો આ જગ્યા તેના માટે નથી. તે કોઈપણ સિરીઝ માટે હંમેશા તૈયાર રહે છે, પછી તે ગમે તે હોય. 37 વર્ષના વિરાટ કોહલીએ આ વાત RCB પોડકાસ્ટ પર કહી, જેનો વીડિયો ફ્રેન્ચાઇઝીના સત્તાવાર એકસ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. IPL 2026માં એક સદી, ત્રણ અડધી સદી સાથે 12 ઇનિંગમાં 484 રન બનાવીને વિરાટ કોહલી ઓરેન્જ કેપ લિસ્ટમાં ત્રીજા નંબરે છે.

હું રમત પ્રત્યે મારા દૃષ્ટિકોણમાં ઈમાનદાર છું. હું સંપૂર્ણ રીતે સમર્પિત છું અને કઠિન મહેનત કરું છું. મારા ક્રિકેટ કરિયરમાં મને જે કંઈ મળ્યું છે, તેના માટે હું ભગવાનનો ખૂબ જ આભારી છું. જો તમે ઈચ્છો કે હું ODI મેચમાં 40 ઓવર સુધી સતત ચોગ્ગા-છગ્ગા મારું, તો હું કોઈ ફરિયાદ વિના એ પણ કરીશ, કારણ કે હું એ માટે જ તૈયારી કરું છું. હું હંમેશા એ માટે તૈયાર રહું છું કે 50 ઓવર સુધીની દરેક બોલ મને એવી લાગશે કે આ મારા કરિયરની છેલ્લી બોલ છે અને હું એ જ રીતે બેટિંગ કરીશ અને વિકેટ વચ્ચે પણ એ જ રીતે દોડીશ. આવી રીતે રમ્યા પછી જો મને એવી જગ્યા પર રહેવું પડે જ્યાં મને મારી ક્ષમતા સાબિત કરવી પડે, તો એ જગ્યા મારી માટે નથી.