ગુજરાતી સંસ્કૃતિ અને તેની પરંપરાઓની સુવાસ હવે માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી રહી, પરંતુ સરહદો ઓળંગીને સમગ્ર વિશ્વમાં પોતાનો જાદુ ચલાવી રહી છે.
આસો નવરાત્રીનો પાવન તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દેશ અને વિદેશમાં તેની ભવ્ય તૈયારીઓ શરૂૂ થઈ ગઈ છે. આ શ્રેણીમાં યુરોપના સુંદર દેશ બેલ્જિયમથી એક અદ્ભુત અને હૃદય સ્પર્શી દ્રશ્ય સામે આવ્યું છે, જ્યાં બેલ્જિયમના રસ્તાઓ અને ગલીઓમાં ગરબાની જોરદાર રમઝટ જોવા મળી રહી છે. અત્યાર સુધી વિદેશમાં વસતા બિનનિવાસી ભારતીયો (NRIs) જ નવરાત્રીની ઉજવણી કરતા જોવા મળતા હતા, પરંતુ આ વખતે ચિત્ર કંઈક અલગ અને ગર્વ અપાવનારું છે.
બેલ્જિયમની શેરીઓમાં સ્થાનિક વિદેશી નાગરિકો અને ગોરાઓ પણ ગુજરાતી ગરબા શીખવા અને રમવા માટે ઉત્સાહપૂર્વક રસ્તા પર ઉતરી આવ્યા છે. પરંપરાગત ગુજરાતી ગીતો, ઢોલના ધબકારા અને સંગીતના તાલ પર વિદેશીઓ તાળીઓના તાલ મિલાવીને ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.
ગરબાના આયોજકો અને સ્થાનિક શિક્ષકો દ્વારા વિદેશીઓને ગરબાના વિવિધ સ્ટેપ્સ જેવા કે પ્રાચીન દોઢિયા, પોપટિયું અને હીંચ શીખવવામાં આવી રહ્યા છે. વિદેશી નાગરિકો પણ આ ભારતીય લોકનૃત્યને શીખવામાં ભારે રસ દાખવી રહ્યા છે અને તેના તાલે ઝૂમી રહ્યા છે.
