ગુજરાત મિરર, રાજકોટ તા.24- શહેરની ભાગોળે કાલાવડ રોડ પર આવેલા વેજાગામ (વાજડી)માં પત્ની સાથે ઝઘડો થતા પતિએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મુળ મહારાષ્ટ્રના વતની અને હાલ પરિવાર સાથે વેજાગામ (વાજડી)માં યોગેશભાઇ રૂડાણીની વાડીમાં રહી ખેતી કામ કરતા ગુડુ મોહનભાઇ ઠાકર (ઉ.વ.35)નામના યુવાને આજે વહેલી સવારે વાડીએ હતો ત્યારે ઝેરી દવા પી લેેતા તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી યુનિ. પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં ગુડુને તેની પત્ની કનુબેન સાથે સવારે કોઇ બાબતે ઝઘડો થતા લાગી આવતા આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. (તસવીર: મુકેશ રાઠોડ)
